દિલ્હીના કરોલ બાગ સ્થિત એક ચાર માળની હોટેલમાં વહેલા પરોઢીયે ઉપરના માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં 17 લોકો ભૂંજાઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. જો કે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કરોલ બાગ સ્થિત અર્પિત પેલેસ હોટેલમાં પરોઢીયે આગ લાગી હતી. સવારે 4.35 કલાકે ફાયરને આગ લાગી હોવાનો ફોન આવ્યો હોવાનું ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું હતું. આગની ઘટનાને પગલે 17ના મોત થયા છે. મૃતકોની લાશ હોટેલમાંથી બહાર કાઢવામાં આવી હતી.

ફાયર અધિકારી વિપિન કેન્ટાના જણાવ્યા મુજબ ‘આગને પગલે ગભરાટમાં આવી જઈ ચોથા માળેથી ત્રણ લોકોએ કૂદકો માર્યો હતો. બિલ્ડિંગના કોરિડોરમાં લાકડાનું પેનલિંગ કર્યું હોવાથી લોકો બહાર નિકળવા માટે તેનો ઉપયોગ કરી શક્યા નહતા.’

કરોલ બાગના ગુરુદ્વારા રોડ પર આવેલી હોટેલ અર્પિત પેલેસમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. દિલ્હી ફાયરની 26 ગાડીઓ આગ બુઝાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના મતે 25 લોકોને સલામત રીતે હોટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આગને પગલે હોટેલમાં અંદર ફસાયેલા લોકોની શોધખોળ માટેની કવાયત ચાલુ છે.

આગની ઘટના અંગે દિલ્હી સરકારે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હોવાનું મંત્રી સત્યેન્દર જૈને જણાવ્યું હતું.