દિલ્હીની જનતાએ સત્તાધારી આમઆદમી પાર્ટી (આપ)ને ફરીથી સત્તાનું સુકાન સોંપ્યું છે. 70 બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ યોજાયેલા મતદાન બાદ આજ સવારથી મતગણતરીઓ શરૂ થઇ છે જેમાં ‘આપ’ 58 બેઠકો પર આગળ છે જ્યારે વિપક્ષ-ભાજપ 12 બેઠકો પર સરસાઇ ધરાવે છે. સૌથી ખરાબ સ્થિતિ કોંગ્રેસ માટે ઊભી થઇ છે કારણ કે તેણે એકપણ સીટ પર ખાતું ખોલાવ્યું નથી. પ્રારંભિક ટ્રેન્ડ્સ મુજબ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમઆદમી પાર્ટીને શરૂઆતથી મોટાભાગની બેઠકો લીડ મળી હતી. ‘આપ’ને સ્પષ્ટ બહુમત મળશે તેવા દાવા ચૂંટણી બાદ થયેલા એક્ઝિટ પોલના પરિણામો થયા હતા. આમઆદમી પાર્ટીએ ગત પાંચ વર્ષમાં કરેલા પ્રજાલક્ષી કાર્યો અને આ વિધાનસભાની ચૂંટણીમાં વધુ સારા કામો કરવાનો વિશ્વાસ લોકોને આપતા કેજરીવાલને વ્યાપક જનસમર્થન પ્રાપ્ત થયું હતું. આ ચૂંટણીમાં 70 બેઠકો પર સરેરાશ 62.59 ટકા મતદાન થયું હતું.
આ પરિણામો અંગે દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, રાજ્ય પ્રમુખ હોવાના કારણે હું દરેક જવાબદારી લેવા તૈયાર છું, દરેકે પોત-પોતાના પરિશ્રમથી પરીક્ષા આપી છે. બીજી તરફ ડેપ્યૂટી સીએમ અને આમઆદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ કહ્યું છે કે, અમને અમારી જીત પર વિશ્વાસ છે. કારણકે અમે પાંચ વર્ષ સુધી જનતા માટે જ કામ કર્યું છે.
સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી અને પછી ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ના મતોની ગણતરી 21 કેન્દ્રો પર થઇ રહી છે. ઈવીએમના મતોની ગણતરી બાદ જે તે બૂથના પાંચ વિવિપેટની ગણતરી પણ કરાઈ રહી છે. દિલ્હી ચૂંટણીમાં 672 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું, જેમાં 593 પુરૂષો અને 79 મહિલાઓ છે.