ફેફ ડૂ પ્લેસી અને શૅન વોટ્સનની અડધી સદીથી ચેન્નઇ સુપરકિંગ્સની ટીમે વિશાખાપટ્ટનમના વાઇએસઆર રેડ્ડી સ્ટેડિયમમાં આઇપીએલની સીઝન-૧૨ની ક્વોલિફાયર-૨ની ગુરુવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલને છ વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઇ સુપરકિંગ્સે ટોસ જીતી હરીફ ટીમ દિલ્હી કેપિટલને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બેટિંગ કરવા મેદાનમાં ઊતરેલી દિલ્હી કેપિટલની ટીમે નવ વિકેટ ગુમાવીને ૨૦ ઓવરમાં ૧૪૭ રન બનાવ્યા હતા. રિષભ પંતે સૌથી વધુ ૩૮ રન બનાવ્યા હતા, જ્યારે શિખર ધવને ૧૮, કોલિન મુનરોએ ૨૭ બનાવ્યા હતા. દિલ્હી કેપિટલના કેપ્ટન શ્રેયસ ઐયરની વિકેટ ઇમરાન તાહિરે લીધી હતી. ચેન્નઇ સુપરકિંગ્સના દીપક ચહર, હરભજનસિંહ અને રવીન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. વળતા જવાબમાં ચેન્નઇ સુપરકિંગ્સની ટીમે ચાર વિકેટના ભોગે ૧૯ ઓવરમાં વિજયનું લક્ષ્ય પાર કર્યું હતું. ડૂ પ્લેસી અને વોટસને મળીને મજબૂત શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટે ૮૧ રન ભાગીદારી કરી હતી. ડૂ પ્લેસીએ ૩૯ બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે અડધી સદી, જ્યારે વોટસને ૩૨ બોલમાં ત્રણ ચોક્કા અને ચાર છગ્ગા સાથે અડધી સદી ફટકારી હતી. રાયડુએ વિજય ચોગ્ગો ફટકાર્યો હતો.