ભારતની હિન્દી ફિલ્મોની અભિનેત્રી દીપિકા પાદુકોણેએ વિશ્વની સૌથી સેક્સી એશિયન મહિલાનો તાજ આ વર્ષે પાછો મેળવ્યો છે. યુકેના અંગ્રેજી સાપ્તાહિક ‘ઈસ્ટર્ન આઈ’ દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતી વિશ્વની સૌથી સેક્સી એશિયન મહિલાની યાદીમાં ખૂબજ પ્રતિભાશાળી તથા અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલી દીપિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે ફરી, બીજીવાર યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ગયા વર્ષે આ તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો હતો, તે આ વર્ષે બીજા ક્રમે પસંદગી પામી છે. ગયા વર્ષે દીપિકા બીજા ક્રમે હતી. આ બન્ને હીરોઈન્સે હજી થોડા દિવસો પહેલા જ લગ્ન કર્યા છે. દીપિકાએ સાથી અભિનેતા રણવીર સિંઘ સાથે તો પ્રિયંકાએ અમેરિકન ગાયક નિક જોનાસ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. દીપિકાની 2018ની સફળતામાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઉપર પ્રવેશ તથા પોતાના લિવ, લવ, લાફ ફાઉન્ડેશન દ્વારા માનસિક આરોગ્ય અંગે જાગૃતિ કેળવવાના સતત પ્રયાસોનો સમાવેશ થાય છે. દીપિકાએ કહ્યું હતું કે, તેના માટે સૌથી વધુ અગત્યનું હોય તો તે વ્યક્તિનું આંતરિક વ્યક્તિત્ત્વ છે. ‘ઓનેસ્ટી (પ્રમાણિકતા) તથા ઓથેન્ટિસિટી’ મારા માટે સૌથી મોટું આકર્ષણ છે. તે સશક્ત કરનારી, મુક્તિ આપતી બાબત છે.

ઈસ્ટર્ન આઈ દ્વારા વિશ્વમાં એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદી પ્રસિદ્ધ કરવાનું આ 15મું વર્ષ છે. 50 મહિલાઓની આ યાદી દુનિયાભરમાંથી ચાહકો દ્વારા આપવામાં આવતા વોટ, મીડિયા કવરેજ તેમજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર આ અહેવાલોની થતી અસરના આધારે તૈયાર કરવામાં આવે છે.

સાપ્તાહિકના એન્ટરટેઈનમેન્ટ એડિટર અસ્જદ નઝિરે આવી યાદીની પરિકલ્પના કરી હતી અને તેઓ જ તેનું 15 વર્ષથી સંચાલન કરી રહ્યા છે. નઝિરે જણાવ્યું હતું કે, ‘બોલિવુડની નિર્વિવાદ ક્વીન તેમજ દિલોદિમાગ ઉપર છવાઈ જતા સૌંદર્યની મલ્લિકા, દીપિકા ખાસ તો તેના વિશાળ અને ઉદાર દિલના કારણે તેમજ એક સામાન્ય વ્યક્તિમાંથી બોલિવુડની ટોચની હીરોઈન બન્યા સુધીની તેની સમગ્ર યાત્રા દરમિયાન પોતે સ્હેજે અહંકારી નહીં બની હોવાના કારણે તેની લોકપ્રિયતાએ અદ્વિતિય શિખરો સર કર્યા છે.’

બીજા ક્રમે રહેલી પ્રિયંકા ચોપરા માટે પણ ભારતની ગ્લોબલ એમ્બેસેડર તરીકે આ વર્ષ ખૂબજ ઘટનાપૂર્ણ રહ્યું હતું. તો પ્રતિભાશાળી અભિનેત્રી નીઆ શર્મા આ વર્ષે પણ ત્રીજા સ્થાને રહી હતી અને સતત ત્રીજા વર્ષે તે સૌથી સેક્સી ટેલિવિઝન સ્ટાર તરીકેનું બિરૂદ પામી હતી.

નીઆ શર્માએ કહ્યું હતું કે, ‘મારી હાલમાં ઘણી જ ઈચ્છા છે કે, હું આ સન્માન બદલ મારી ઉત્સુકતા જાહેર કરૂં નહીં, છુપાવું. પણ હું એમ કરી શક્તિ નથી, મારૂં સ્મિત છુપાવી શકતી નથી કારણ કે આ સન્માનથી હું અદમ્ય ઉત્સાહ અનુભવી રહી છું. મારા અદભૂત ચાહકોનો મારે આભાર માનવો રહ્યો, કારણ કે તેમના પ્રેમના પગલે જ સતત ત્રણ વર્ષ સુધી હું આ સ્થાને રહી છું. મારા ચાહકો કહે છે કે, આ સ્થાન તો તારૂં જ છું, તો હું એમને કહેવા માગું છું કે, આ સ્થાન આપણું છે.’

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન ચોથા સ્થાને આવી હતી અને તેણે ગયા વર્ષનું વિશ્વમાં સૌથી સેક્સી પાકિસ્તાની મહિલા તરીકેનું બિરૂદ પણ જાળવી રાખ્યું હતું. માહિરાએ પણ આ વર્ષે સ્ત્રી શક્તિના એક સશક્ત પ્રતિક તરીકે અનેકવિધ પ્રવૃત્તિઓ તથા ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. પ્રથમ 10 ક્રમે આવેલી મહિલાઓમાં પાંચમા ક્રમે શિવાંગી જોશી અને તે પછી આલીઆ ભટ્ટ (6), સોનમ કપૂર (7), હિના ખાન (8), કેટરિના કૈફ (9) તથા નિતિ ટેલરનો સમાવેશ થાય છે.

યાદીમાં કોઈ નવોદિતને સૌથી ઉંચો ક્રમ મળ્યાનો શ્રેય આશિ સિંઘને (18મો ક્રમ) જાય છે, તો સૌથી નાની વયની સેક્સી મહિલા તરીકેનું બહુમાન 20 વર્ષની ટીવી અભિનેત્રી શિવાંગી જોશી (ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, પાંચમો ક્રમ, ઉમર 20 વર્ષ) મળ્યું છે.

2018ના વર્ષની એડિટરની પસંદગીની બે સેક્સી મહિલાઓમાં પાકિસ્તાની અભિનેત્રી સનમ સઈદ (19) અને માધુરી દીક્ષિત નેને (45)નો સમાવેશ થાય છે. સનમ પાકિસ્તાનમાં રચનાત્મકતાની સરહદો સતત વિસ્તારિત કરી રહી છે અને મહિલા સશક્તિકરણ સહિત અનેક મહત્ત્વના સામાજિક મુદ્દાઓ ઉપર પોતાના વિચારો વ્યક્ત કરતી રહી છે. માધુરી વિષે નઝિરે કહ્યું હતું કે આ આઈકોનિક અભિનેત્રીએ પોતાના બ્રિલિયન્સ દ્વારા એક આખી પેઢીને પ્રેરણા આપી છે. માધુરી અસરકારક રીતે દર્શાવે છે કે, ઉંમર તો ફક્ત એક આંકડો છે, તમે ચાહો તો વયના પચાસના દાયકામાં પણ પ્રભાવશાળી, જાજરમાન રહી શકો.

અન્ય નામાંકિત અભિનેત્રીઓમાં 11મા ક્રમે હેલી શાહ રહી છે, તો દ્રષ્ટિ ધામી (12), જેનિફર વિંગેટ (13), એરિકા ફર્નાન્ડિઝ (15), સુરભી ચાંદના (16), ગૌહર ખાન (17), અનુષ્કા શેટ્ટી (22), અર્મિના રાણા ખાન (24), ઐશ્વર્યા રાય બચ્ચન (30), અથિયા શેટ્ટી (31), જમીલા જમીલ (34), જસ્મિન વાલીઆ (38), મેહવિશ હયાત (40), ઈકરા અઝિઝ (46) તથા જેક્વેલિન ફર્નાન્ડિઝ (47)નો સમાવેશ થાય છે.

તમામ 50ની સંપૂર્ણ યાદી ઈસ્ટર્ન આઈના 7મી ડિસેમ્બરના અંકમાં પ્રસિદ્ધ થશે, તો વિશ્વમાં એશિયાના સૌથી સેક્સી 50 પુરૂષોની યાદી 14મી ડીસેમ્બરના અંકમાં પ્રસિદ્ધ થશે.