ભારતીય ઓપનર શિખર ધવને કારકિર્દીની ૧૦૦મી વન ડે યાદગાર બનાવતા ૧૩મી સદી ફટકારી ઈતિહાસ સર્જયો હતો. કારકિર્દીની ૧૦૦મી વન ડેમાં સદી કરનારો તે ભારતનો સૌપ્રથમ બેટ્સમેન બન્યો હતો. વર્લ્ડ રેકોર્ડની યાદીમાં આવી સિદ્ધિ મેળવનારો તે નવમો બેટ્સમેન છે. સાઉથ આફ્રિકા સીરીઝની શરૂઆતની ત્રણ વન ડેમાં બે અડધી સદી અને એક મેચમાં ૩૫ રન ફટકારી ચૂકેલા શિખર ધવને ચોથી મેચમાં ૧૦૦મી વન ડે રમતાં ૧૩મી સદી ફટકારી હતી. ધવન આ સાથે વેસ્ટ ઈન્ડિઝના ગોર્ડન ગ્રિનીજ, ન્યૂઝીલેન્ડના ક્રિસ કેઈન્સ, પાકિસ્તાનના મોહમ્મદ યુસુફ, શ્રીલંકાના સંગાકારા, વિન્ડિઝના ક્રિસ ગેઈલ અને રામનરેશ સરવન તેમજ ઈંગ્લેન્ડના ગેલ અને ઓસ્ટ્રેલિયાના વોર્નરની હરોળમાં આવ્યો છે. તેણે ૫૩ બોલમાં ૫૦ અને ૯૯ બોલમાં ૧૦૦ રન કર્યા હતા. આ સાથે, પહેલી 100 વન-ડેમાં સૌથી વધુ રનના રેકોર્ડમાં પણ તે વિશ્વમાં બીજા ક્રમનો બેટ્સમેન બની ગયો છે.