ધૂળેટી ઉત્સવના રંગમાં રંગાઇ જવાનું પર્વ

0
867

સ્વજનો-મિત્રો સાથે ધૂળેટીનો પર્વ ઉજવી તેમને માત્ર ગુલાલના નહીં હેતના રંગમાં રંગી દેવા લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સવની ખરા અર્થમાં ઉજવણી કરવા આવડતું હોય તે આવતીકાલે થોડા કલાકો માટે બાળક બનીને ગુલાલ-પિચકારી સાથે ધૂળેટીનો પર્વ ઉલ્લાસપૂર્વક ઉજવશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોની કેટલીક ક્લબ-ફાર્મહાઉસમાં હવે ધૂળેટીનું પર્વ ઉજવવા માટે રેઇનડાન્સ, ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે. અમદાવાદની કેટલીક ક્લબમાં પણ ડીજે વિથ રેઇનડાન્સ અને સાથે લંચના પેકેજ રાખવામાં આવેલા છે, જેમા ઓછામાં ઓછું પેકેજ રૃપિયા ૫૦૦નું હોય છે. ધૂળેટીના દિવસે ભાંગ-ઠંડાઇ પીવાનું મહત્વ પણ છેલ્લા કેટલાક વર્ષોથી વધતું જાય છે. જેના લીધે કેટલીક સોસાયટી-ફ્લેટ-ક્લબ-ફાર્મહાઉસમાં ભાંગપાર્ટીનું પણ આયોજન કરવામાં આવે છે. આ વખતે બોર્ડની પરીક્ષા પણ સાવ નજીક હોવાથી દર વર્ષની સરખામણીએ આ વખતે ધૂળેટીની ઉજવણીમાં થોડી ઓટ જોવા મળી રહી છે. આ ઉપરાંત જે નોકરિયાત વર્ગ છે તેમણે શનિ-રવિ-સોમની રજા આવી જતી હોવાથી તેમણે આ ‘મિની વેકેશન’માં બહાર ફરવા જવાનું વધારે પસંદ કર્યું છે. આમ, આવતીકાલે માત્ર ચહેરા જ નહીં ઉત્સવપ્રેમીના હૈયા ઉત્સાહના રંગમાં રંગાઇ જશે તે નિશ્ચિત છે. ફાગણ માસ ભગવાન કૃષ્ણને ખૂબ જ વ્હાલો છે. ગુજરાતમાં ભગવાન કૃષ્ણના ખ્યાતનામ ધામ એવા ડાકોર, શામળાજી, દ્વારકામાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું છે. રવિવારે ફાગણ સુદ પૂર્ણિમા નિમિત્તે અવસરે એક લાખથી વધુ ભક્તોએ ડાકોરમાં રાજા રણછોડરાયજીના દર્શનનો લ્હાવો લીધો હતો. વહેલી સવારે ૪ઃ૧૫ વાગ્યે મંગળા આરતી વખતે જેવા મંદિરના દ્વાર ખુલ્યા એ સાથે જ દર્શન માટે ઘુમ્મટમાં ધસારો થયો હતો. રાજા રણછોડને હાઇડાનો હાર પહેરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દ્વારકા અને શામળાજીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. હોળી નિમિત્તે દ્વારકા અને શામળાજીમાં પણ દર્શન-પૂજન માટે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ મંદિરોમાં પણ ફૂલદોલોત્સવનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીની નિશ્રામાં પ્રથમ વખત ફૂલદોલોત્સવ ઉજવાશે. સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે સવારે ૧૦ થી ૧૨ ફૂલદોલોત્સવ ઉજવાશે.

LEAVE A REPLY

12 − 4 =