ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે સવારે નવ વાગ્યે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-૧૨ સાયન્સ ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૯૯ ટકા અને અંગ્રેજી માધ્યમનું ૭૫.૫૮ ટકા પરિણામ આવ્યું છે.  જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૪ ટકા અને વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૪.૯૧ ટકા આવ્યું છે. આ સાથે સૌથી ધ્રોલ ૯૫.૬૫ ટકા સાથે સૌથી વધુ અને બોડેલી ૨૭.૬૧ ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઇ શકાશે. જોકે, પરિણામ જાહેર થયા બાદ બોર્ડની વેબસાઈટ હેન્ગ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં રાજકોટ ૮૫.૦૩ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો અને છોટા ઉદેપુર ૩૫.૬૪ ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છે. આ સાથે રાજ્યમાં ૪૨ શા‌ળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જ્યારે ૧૦ ટકાથી પણ ઓછુ પરિણામ ધરાવતી શા‌ળાની સંખ્યા ૨૬ જેટલી છે. A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારોની સંખ્યા ૧૩૬ અને A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારની સંખ્યા ૨૮૩૮ છે.  A ગૃપના ઉમેદવારનું પરિણામ ૭૭.૨૯ ટકા, B ગૃપના ઉમેદવારનું પરિણામ ૬૯.૭૭ ટકા અને AB ગૃપના ઉમેદવારનું પરિણામ ૬૧.૧૧ ટકા છે. સમગ્ર રાજ્યમાંથી ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એ ગ્રુપના ૫૭,૭૬૪ અને બી ગ્રુપના ૭૬,૮૮૮ અને એબી ગ્રુપના ૧૯ વિદ્યાર્થીઓ નોધાયા હતા. ગુજસેટની પરીક્ષામાં રાજ્યમાંથી ૧.૩૬ લાખ વિદ્યાર્થી નોધાયા હતા. પરિણામ જાહેર થયા બાદ આજે જ વિદ્યાર્થીઓને માર્કશીટ પણ મળી રહે તેવું આયોજન બોર્ડ દ્વારા કરાયું છે. ગત વર્ષે બોર્ડ દ્વારા ૧૧ મેના રોજ ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરાયું હતું. ગત વર્ષે સાયન્સનું પરિણામ ૮૧.૮૯ ટકા રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજસેટમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ ચાર માર્કની અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી થઈ ચુકી છે.