ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.૭ માર્ચથી ૧૬ માર્ચ દરમિયાન લેવાયેલી ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર થઈ ગયું છે. બોર્ડે ધો.૧૨ સાયન્સના પરિણામની સાથે ગુજકેટનું પરિણામ તથા ધો.૧૨ સાયન્સ સેમેસ્ટર પદ્ધતિનું પરિણામ પણ એકસાથે જ જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષે 71.90 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જે ગત વર્ષ કરતાં એક ટકો ઓછું છે.

દરેક વખતની જેમ આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ જ મેદાન માર્યું છે. આ વખતે 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થયા છે. રાજ્યમાં 84.47 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે. રાજ્યની 35 એવી સ્કૂલ છે જેનું 100 ટકા પરિણામ આવ્યું છે.

ધો.૧૨ સાયન્સમાં સમગ્ર ગુજરાતમાંથી ૧.૪૭ લાખ વિદ્યાર્થી અને ગુજકેટમાં ૧.૩૪ લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. ધો.૧૨ સાયન્સ સેમેસ્ટર સિસ્ટમના ૧૦ હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. બોર્ડની વેબસાઇટ પર ૯મીને ગુરુવારે સવારે ૯ વાગ્યે પરિણામ જાહેર થઈ ગયું છે. બપોર સુધીમાં શાળાઓ પર ધો.૧૨ સાયન્સ અને ગુજકેટની માર્કશીટ મોકલી દેવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ એક દિવસ વહેલું જાહેર થયું છે.

બોર્ડે ધો.૧૨ સાયન્સમાં ચાલુ વર્ષે પણ સેમેસ્ટર સિસ્ટમ વગરની પરીક્ષા યોજી હતી. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧.૪૭ લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં એ ગ્રૂપના ૫૭૫૧૧, બી ગ્રૂપના ૮૯૭૬૦ અને એબી ગ્રૂપના ૩૧ વિદ્યાર્થી નોંધાયા હતા. ધો.૧૨ સાયન્સની પરીક્ષા ૭ માર્ચના રોજ શરૂ થઈ હતી અને ૧૬ માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. શિક્ષણ બોર્ડ ૯ મેના રોજ સવારે ૯ વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે.

ધો.૧૨ સાયન્સની સાથે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે બોર્ડ દ્વારા લેવામાં આવેલી ગુજકેટનું પરિણામ પણ ધો.૧૨ના પરિણામની સાથે જ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજકેટ માટે સમગ્ર રાજ્યમાંથી ૧.૩૪ લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં એ ગ્રૂપના ૫૬૯૧૩, બી ગ્રૂપના ૭૭૪૭૮ અને એબી ગ્રૂપના ૪૫૫ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

બોર્ડે ગુજકેટની જે આન્સર કી જાહેર કરી તેના આધારે પરિણામ પહેલા જ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને ૨ ગુણ અને અંગ્રેજી તથા હિન્દી માધ્યમના વિદ્યાર્થીને ૧ ગુણ આપી દેવામાં આવ્યા છે. ગુજરાતી માધ્યમમાં ગણિતમાં ૧ અને ફિઝિક્સમાં ૧ ગુણ આપવાનું બોર્ડે નક્કી કર્યું હતું. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ગણિતમાં એક ગુણ આપવાનું નક્કી કરાયું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરતા જે વિદ્યાર્થી સેમેસ્ટર સિસ્ટમમાં ધો.૧૨ સાયન્સ પાસ કરી શક્યા નથી તેમને આ વખતે પાસ થવા માટે તક અપાઈ હતી. જેમાં ૧૦ હજાર જેટલા વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

બોર્ડ આજે એટલે કે ગુરુવારે જ ધો.૧૨ સાયન્સ અને ગુજકેટની માર્કશીટ પણ આપી દેશે. ધો.૧૨ અને ગુજકેટની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કરવામાં આવે તેવી ગોઠવણ કરી છે.