નરોડા પાટિયા હત્યાકાંડમાં ભાજપના નેતા માયાબેન કોડનાની હાઈકોર્ટમાં નિર્દોષ છૂટ્યા છે. ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણોના કેસમાં તેમના પર આરોપો લગાવવામાં આવ્યા હતા. નરોડા પાટિયા હત્યાકાંડમાં 32 આરોપીઓને દોષિત ઠેરવવાના નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટે ભાજપનાં નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે. આ સાથે જ કોર્ટે આ જ કેસના અન્ય એક આરોપી બાબુ બજરંગીની સજામાં પણ ઘટાડો કર્યો છે.
જો કે,  માયાબેન નિર્દોષ જાહેક થતાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપનું કહેવું છે કે માયાબેન રાજકારણનો ભોગ બન્યા હતા. જ્યારે કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે છેક દિલ્હી સુધીની પોતાની વગ વાપરીને માયાબેનને મુક્ત કરાવ્યા છે.
નરોડા પાટીયા કેસમાં કુલ 97 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં 2002માં માયા કોડનાનીનું નામ આપવામાં આવ્યું ન હતું. પણ SIT તપાસમાં તેમનું નામ 2008માં આપવામાં આવ્યું તે કોર્ટે ધ્યાનમાં લીધું છે. પુરાવાના અભાવે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.  તેવું અવલોકન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
ભાજપ સરકારમાં પ્રધાન રહી ચૂકેલા ડો. કોડનાનીને નીચલી કોર્ટે 28 વર્ષની સજા ફટકારી હતી. અન્ય 30 આરોપીઓને પણ 21 વર્ષથી લઈને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જો કે હાઈકોર્ટમાં માયા કોડનાની નિર્દોષ જાહેર કરવામાં આવતા ગુજરાતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે.