નવસારીમાં એક બંગ્લામાં લગ્નની પૂર્વ સંધ્યાએ યોજાયેલી બેચરલ પાર્ટીમાં પોલીસે છાપો મારી દારૂની મજા માણતી ૪ મહિલા અને ૧૯ પુરૂષ મળીને કુલ ર૩ લોકોની ધરપકડ કરી હતી. જેમાં વરરાજા, નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સનાં પ્રમુખનો પુત્ર, શહેરનાં જાણીતા જ્વેલર્સના બે પુત્રો અને બે એનઆરઆઈ મહિલાનો સમાવેશ થાય છે. ભદ્ર સમાજમાં ફુલેલું ફાલેલું વેસ્ટર્ન કલ્ચર બહાર આવતા ચકચાર મચી છે.
નવસારીનાં દૂધિયા તળાવ વિસ્તારમાં આવેલી નૂતન સોસાયટીમાંબંગ્લા નંબર ર૦માં દારૂની મહેફિલ ચાલી રહી છે અને ત્યાંથી મોટા અવાજે ડી.જે. પણ વગાડવામાં આવી રહ્યું હોવાની ફરીયાદ પોલીસ કંટ્રોલ રૂમને ગઈકાલે મોડીરાત્રે મળતાં નવસારી ટાઉન પોલીસે ફોરવર્ડ કરી હતી. જેનાં આધારે ઉન પોલીસની ટીમે મોડીરાત્રે બંગલા પર છાપો મારતા ૧૯ પુરુષો અને ૪ સ્ત્રીઓ ગોળ કુંડાળામાં બેસીને શરાબની મજા માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામને ટાઉન પોલીસ મથકે લઈ આવી હતી. આ વાતની જાણ પકડાયેલા લોકોનાં પરિવારોમાં બદનામીનાં ડરે ચિંતા પ્રસરી હતી અને આ કેસને પતાવી દેવાનાં પોલીસ ઉપર દાબ દબાણ શરૂ કરી દેવામાં આવ્યા હતા પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી.
માહિતી મુજબ નવસારીની મહાવીર એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા મહેશ એપાર્ટમેન્ટમાં રહેતા અર્પિત શાહ (ઉ.વ.ર૯)નાં લગ્ન હતા. તેનાં માટે લગ્ન પૂર્વે બેચલર પાર્ટીનું આયોજન નૂતન સોસાયટીમાં, અમેરિકાનાં કેલીફોર્નીયામાં રહેતાં અનિતા ઈન્દ્રકુમાર પટેલ (ઉ.વ.ર૯)નાં બંગ્લામાં કરાયું હતું. મોડીસાંજથી શરૂ થયેલી આ મહેફીલમાં વ્હીસ્કી બીયર તેમજ ડી.જેનો દૌર મોડી સાત સુધી ચાલતો હતો. જેનાથી આજુબાજુ રહેતા લોકોને તકલીફ થતાં કોઈકે પોલીસ કંટ્રોલ રૂમને ફરીયાદ કરી હતી.