રાજ્યમાં અત્યાર સુધીની વરસાદની મોસમમાં સરેરાશ 28 ટકા વરસાદ નોંધાયો છે. જો કે રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે. અને હજુ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વર્ષનો સારો વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારમાં તથા અમદાવાદમાં લોકો હજી સારા વરસાદની રાહ જોઇને બેઠા છે. વરસાદ ખેંચાવવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. થોડા વિરામ બાદ સુરત જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ઓલપાડ, માંડવી, માંગરોળ, કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ શરૂ થતાં ઓલપાડના ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ હતી.સાવરકુંડલામાં બે ઇંચ, લાઠીમા એક ઇંચ ઉપરાંત બાબરા, રાજુલામા અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
જયારે જાફરાબાદ અને ધારી પંથકમા હળવા ઝાપટા પડી ગયા હતા. જસદણ શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જસદણના ગ્રામ્ય પંથકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જામનગરના લાલપુરમાં સવા ઇંચ પાણી પડયુ હતુ.જ્યારે ગ્રામ્ય પંથકમાં પઅડધાથી એકાદ ઇંચ પાણી વરસાવ્યુ હતુ. જેમાં પીપરટોડામાં 26,મોટા ખડબામાં 30, જાંબુડામાં 16, જામ વંથલીમાં 15, બેરાજામાં 15, શેઠ વડાળામાં 20, જામવાડીમાં 30, ધુનડામાં 17, ધ્રાફામાં 15, ભણગોરમાં 13 મીમી. વરસાદ બુધવાર સાંજ સુધીમાં નોંધાયો હતો.
ભાવનગર જિલ્લામાં ઉમરાળા, મહુવા અને ગારિયાધારમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો જ્યારે ઉમરાળા, પાલિતાણા અને સિહોરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.સુરતમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો- નવસારીમાં સાંજે અચાનક કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર દોઢ કલાકમાં જ પોણા ત્રણ ઇંચ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. સુરત જિલ્લામાં છેલ્લા 12 કલાક દરમ્યાન બારડોલીમાં 9 મિમી, ચોર્યાસીમાં 22 મિમી, કામરેજમાં 66 મિમી, મહુવામાં 73 મિમી, માંડવીમાં 07 મીમી, પલસાણામાં 54 મિમી, ઓલપાડમાં 02 મિમી, સુરત સીટીમાં 27 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉકાઈ ડેમમાં 278.49 ફુટ પાણીની જળસપાટી નોંધાઇ છે.
ઇનફલૉ 600 ક્યુસેક ઓઉટ ફલો 600 ક્યુસેક પાણી નોંધાયું છે.આહવામાં 3.64 ઇંચ વરસાદ નોંધાયો- ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સાપુતારા ફરવા ગયેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ડાંગ જિલ્લામાં પાછલા 12 કલાકમાં વઘઈમાં 3.4 ઇંચ, આહવામાં 3.64 ઇંચ, સાપુતારામાં 1.48 ઇંચ, સુબિરમાં 1.88 ઇંચ વરસાદ નોંધાયો છે.