યુ.કે.માં વર્ષાંતે જાહેર કરાયેલા સન્માનોમાં જાણીતા એશિયન્સનો સમાવેશ થયો છે. બહુમાન પામેલા લોકોમાં ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિકો, ઉદ્યોગકારો, અને સામાજીક અગ્રણીઓનો સમાવેશ થાય છે. કુલ 1123 લોકોને વિવિધ પદવીઓ આપવામાં આવી છે, તેમાં 100થી વધુ બ્લેક, એશિયન અને માઈનોરિટી એથનિક લોકો (BAME)નો સમાવેશ થાય છે.
સન્માનિત લોકોની યાદીમાં વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન બદલ યુનિવર્સિટી ઓફ યોર્કના પ્રોફેસર પ્રતિભા લક્ષ્મણ ગાઈનું રસાયણ વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ડેમહૂડનું સન્માન આપવામાં આવ્યું છે. પ્રો. પ્રતિભાએ એટમિક સ્કેલ પર રાસાયણિક પ્રતિક્રિયાઓ સમજવાની ક્ષમતા ધરાવતા સૌપ્રથમ માઇક્રોસ્કોપનું સંશોધન કર્યુ છે. આ શોધની તેમણે પોતાની પેટન્ટ પણ લીધી નથી અને તેનું કારણ બહોળા પ્રમાણમાં લોકો આ સંશોધનનો લાભ લઈ શકે તેવો આશય છે.
OBE સન્માન મેળવનારાઓમાં આદિલ ગ્રુપના ચેરમેન રાજા મહોમ્મદનો સમાવેશ થાય છે. રાજા મહોમ્મદ હોટેલ ઉદ્યોગ અને અને ખાણીપીણીની સેવાઓ માં અવ્વલ સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રમાં રોજગારી સર્જન અને ચેરીટી જેવી નોંધપાત્ર સેવાઓ બદલ આ સન્માન તેમને અપાયું છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર ચરણજીત બોન્ટ્રાને OBE સન્માનથી નવાજવામાં આવ્યા છે. પ્રો. ચરણજીતે તબીબી સંશોધનમાં અનુવાદ કરી વિશિષ્ઠ યોગદાન પ્રદાન કર્યુ છે.
સંરક્ષણ મંત્રાલયમાં ઉમદા કામગીરી બદલ જશવંત રામેવાલને પણ OBE સન્માનથી નવાજવામાં આવ્યા છે.
પાકિસ્તાની મૂળના મુસ્લિમ મહિલા આઈનાખાનને OBE સન્માન અપાયું છે. આઈનાખાન વર્ષોથી મેરેજ એક્ટ-1949માં સુધારા માટે કાર્યરત છે. ‘રજીસ્ટર અવર મેરેજ’ સંસ્થાના સંસ્થાપક તરીકે તેઓ રજીસ્ટર્ડ ન થયા હોય તેવા લગ્નમાં મહિલા અને બાળકોની સુરક્ષા માટે અભિયાન ચલાવી રહ્યા છે.
છેલ્લા 25 વર્ષોથી કાયદા ક્ષેત્રનો અનુભવ ધરાવતા ખાને જણાવ્યું હતું કે ‘મને આશા છે કે આ એવોર્ડ વંશીય લઘુમતી સમુદાયને એ બતાવે છે કે વિદેશી બાળકો પણ બ્રિટિશ નાગરિક બની શકે છે, તેઓ અહીં પ્રોફેશનલ કેરીયર પણ બનાવી શકે છે અને એવોર્ડ પણ મેળવી શકે છે. હું એક મુસ્લિમ પરિવારમાંથી આવું છું અને આ એવોર્ડ મુસ્લિમો, પાકિસ્તાનીઓ માટે પ્રેરણારૂપ છે’.
બ્રિટનનું એમબીઈ સન્માન મેળવનારા અન્ય મહાનુભાવોમાં નિલમ ફર્ઝાના તથા ઈન્સ્ટીટયુટ ઓફ જૈનોલોજીના ડાયરેક્ટર ડો. મેહુલ સંઘરાજકાનો પણ સમાવેશ થાય છે. નિલમ લોકોના માનસિક આરોગ્યની ચિંતા કરતી સંસ્થાના સહસંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે.
સિટી શીખ નેટવર્કના સ્થાપક સભ્ય અને નિર્દેશક ઓંકારદીપસિંહ ભાટીયાને યુવા પેઢી વચ્ચે રહી ઉત્કૃષ્ટ પ્રદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
વુમન એઇડના સક્રિય સભ્ય સદી ખાનને સાંસ્કૃતિક અને ધાર્મિક તાલીમ માટેની સેવાઓ અને સ્ત્રીઓને સંવેદનશીલ તેમજ સ્વૈચ્છિક સેવાઓ પ્રદાન કરવા બદલ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા છે.
જૈન ધર્મ અને જૈન શિક્ષણના ક્ષેત્રે 20 વર્ષના નોંધપાત્ર પ્રદાન બદલ ડો. સંઘરાજકાનું સન્માન કરાયું છે.
ડૉ. મેહુલ સંઘરજાકાને MBE સન્માન
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ડાયરેક્ટર ડૉ. મેહુલ સંઘરાજ્કાની 2018ના નવા વર્ષમાં MBE સન્માન માટે પસંદગી થઈ છે. જૈન ફેઈથ એન્ડ એજ્યુકેશન ક્ષેત્રે સેવાઓ બદલ તેમને આ બહુમાન અપાઈ રહ્યું છે.
સંઘરાજ્કાએ છેલ્લા 20 વર્ષોથી જૈન સમુદાયની દશા અને દિશા બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. માત્ર યુ.કે. નહીં, વૈશ્વિક સ્તરે જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવામાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સંઘરાજ્કાની સખત મહેનત અને સમર્પણને આ સન્માનથી સ્વીકૃતિ મળી છે.
આ ઘોષણા પછી સંઘરાજ્કાએ કહ્યું કે, ‘હું ખૂબ જ નમ્રતાપૂર્વક આ સન્માનનો સ્વીકાર કરું છું. MBE સન્માન પ્રાપ્ત કરવું ગૌરવની બાબત છે. શિક્ષણ અને જૈન ધર્મ બંને મારા જીવનનો અત્યંત મહત્વનો હિસ્સો છે. આ સન્માન મને વધુ કામ કરવા માટે પ્રેરણા અને બળ આપશે. હું મારી સાથે કામ કરનારા તમામ લોકોનો પણ આભારી છું.’
સંઘરાજ્કા છેલ્લા 15 વર્ષથી ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી (IOJ)ના ડાયરેક્ટર અને ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ સંસ્થા યુ.કે.માં 32 જૈન સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થાએ જૈન ઓલ-પાર્ટી સંસદીય ગ્રુપ સ્થાપવામાં પણ મદદ કરી છે. જૈન સમાજને અસરકર્તા અનેક બાબતોમાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
સંઘરાજ્કાના સન્માનની ઘોષણા બાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના ચેરમેન નેમુ ચંદરિયાએ જણાવ્યું હતું કે, ‘ડૉ. સંઘરાજ્કાના અવિરત કામ અને અભૂતપૂર્વ યોગદાન બદલ સન્માન માટે હું તેમને હૃદયથી ખૂબ અભિનંદન પાઠવું છું.’
ડૉ. સંઘરાજ્કા શિક્ષણ ક્ષેત્રે એક મહત્વનો હોદ્દો પણ સંભાળે છે. તેઓ Jainpedia.orgના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ છે. આ સંસ્થાએ યુ.કે.ના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, બ્રિટીશ લાઇબ્રેરી, ધ વેલ્કમ ટ્રસ્ટ, બોડલીઅેન લાઇબ્રેરી અને રોયલ એશિયાટિક સોસાયટી જેવી મોટી બ્રિટીશ સંસ્થાઓમાં રહેલી 4,000 જૈન હસ્તપ્રતો ડિજિટાઇઝ કરી છે. Jainpedia.org વૈશ્વિક સ્તરે જૈન ધર્મની સૌથી અધિકૃત વેબસાઇટ છે જેને એક વર્ષમાં 1 મિલિયનથી પણ વધારે લોકો જૂએ છે.
હાલમાં જ સંઘરાજ્કાએ લર્નિંગ પોસીબીલીટીઝની નામની સંસ્થાની સ્થાપના કરી છે. આ સંસ્થાના સીઇઓ તરીકે તેઓ વિશ્વભરની શાળાઓમાં શિક્ષણમાં ધરખમ ફેરફારના કામમાં લાગેલા રહે છે. તેઓ સરકારી શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણમાં પણ પરિવર્તનના હિમાયતી છે.