કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જાતિવાદ અંગે જણાવ્યું છે કે, તેમના ક્ષેત્રમાં જાતિવાદ માટે કોઇ જગ્યા નથી, તેમણે ચેતાવણી આપતા જણાવ્યું હતું કે, જાતિવાદ અંગે વાત કરનારાઓની ધોલાઇ કરવામાં આવશે. પિંપડી ચિંચવાડમાં પુનરુત્થાન સમરસતા ગુરુકપલમ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, સમાજને આર્થિક અને સામાજીક સમાનતાના આધારે સાથે લાવવા જોઇએ અને આમાં જાતિવાદ અને સાંપ્રદાયિકતા માટે કોઇ જગ્યા ન હોવી જોઇએ.
નાગપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરનારા ગડકરીએ જણાવ્યું હતું કે, અમે જાતિવાદમાં વિશ્વાસ રાખતા નથી. મને ખબર નથી કે તમે ત્યાં શું છો પરંતુ અમારા પાંચ જિલ્લામાં જાતિવાદ માટે કોઇ જગ્યા નથી કેમકે મેં તમામને ચેતાવણી આપી દીધી છે કે જો કોઇ જાતિની વાત કરશે હું તેની ધોલાઇ કરી દઇશ. અગાઉ નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, પ્રજાને સપનાં દેખાડનાર નેતા ગમે છે, પરંતુ જો સપનાં પૂરા નથી થતા તો પ્રજા તેમની પિટાઇ કરી નાંખે છે. તેમના આ નિવેદન બાદ વિપક્ષે ભાજપ પર નિશાન સાધ્યું હતું.