દેડીયાપાડા ખાતેથી આજે સોમવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંકશે. તેઓ બપોરે APMCના મેદાનમાં જાહેરસભાને સંબોધિત કરશે. જોકે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે કોંગ્રેસ કાર્યકરો નેત્રંગથી ભવ્ય બાઈક રેલી યોજી હતી. જેમાં શક્તિસિંહ ગોહિલે બાઈક ચલાવી હતી જ્યારે અહેમદ પટેલ શક્તિસિંહ ગોહિલની બાઈક પાઠળ બેઠા હતાં. શક્તિસિંહ ગોહિલે હલ્ક બાઈક ચલાવી હતી જે જોઈને હાજર કાર્યકરો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. જ્યારે મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતાં.
કોંગ્રેસમાં કોઇ પણ જૂથબંધી નથી અને નિતિન પટેલે કોંગ્રેસની ચિંતા કરવાનું છોડી દેવું જોઇએ. જો ભાજપમાં જૂથબંધી નથી તો તેમને મુખ્યમંત્રીના બદલે નાયબ મુખ્યમંત્રી કેમ બનાવવામાં આવ્યાં તેમ રાજયસભાના સાંસદ અહમદ પટેલે જણાવ્યું છે. સોમવારે દેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા પહેલાં તેમણે સભાસ્થળની મુલાકાત લઇ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. રાજયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયાં છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દેડીયાપાડાથી પ્રચારના શ્રીગણેશ કરશે.
સોમવારે બપોરે 1 વાગ્યે તેઓ દેડીયાપાડાના એપીએમસીના મેદાનમાં જાહેરસભાને સંબોધિત કરશે. રાહુલ ગાંધીની સભા પહેલાં દિગ્ગજ આગેવાનો તૈયારીઓને આખરી ઓપ આપી રહયાં છે. રાજયસભાના સાંસદ અહમદ પટેલે દેડીયાપાડામાં સભા સ્થળની મુલાકાત લીધી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કોઇ જૂથબંધી નથી અને ખાસ કરીને ડેપ્યુટી સીએમ નિતિન પટેલે કોંગ્રેસની ચિંતા કરવાનું છોડી દેવું જોઇએ. તેમના પક્ષ ભાજપમાં જૂથબંધી નથી તો તેમને મુખ્યમંત્રીની જગ્યાએ નાયબ મુખ્યમંત્રી કેમ બનાવવામાં આવ્યાં તેનો તેમણે જવાબ આપવો જોઇએ. ગુજરાત મોડલના સંદર્ભમાં અહમદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં રસ્તા, પાણી, વીજળી અને આરોગ્ય સહિતની માળખાકીય સુવિધાઓનો સદંતર અભાવ છે. ગુજરાત મોડલ માત્ર કાગળ પર રહી ગયું છે.

LEAVE A REPLY

19 + thirteen =