નિર્ભયા ગેંગરેપ કેસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી મુકેશ સિંહ ની અરજી ફગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્ભયા મામલાના દોષિતમાંથી એકની દયા અરજી શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલી હતી. મંત્રાલયે આ અરજીનો અસ્વીકાર કરવાની ભલામણ કરી હતી. નિર્ભયા સામૂહિક ગેંગરેપ અને હત્યા મામલાના ચાર દોષિતોમાંથી એક મુકશ સિંહે થોડા દિવસ પહેલા દયા અરજી દાખલ કરી હતી.

દિલ્હીના ઉપરાજ્યપાલે ગુરુવારે મુકેશ સિંહની દયા અરજી ગૃહ મંત્રાલયને મોકલી આપી હતી. જેના એક દિવસ પહેલા દિલ્હી સરકારે અરજીનો અસ્વીકાર કરવાની ભલામણ કરી હતી. દિલ્હીની એક કોર્ટે ચારેય દોષિતો 32 વર્ષીય મુકેશ સિંહ, 26 વર્ષીય વિનય શર્મા, 31 વર્ષીય અક્ષય કુમાર અને 25 વર્ષીય પવન ગુપ્તાને મોતની સજાના અમલ માટે સાતમી જાન્યુઆરીના રોજ ‘ડૅથ વૉરંટ’ જાહેર કર્યું હતું.

એ સમયે કોર્ટે ફાંસીની તારીખ 22 જાન્યુઆરી નક્કી કરી હતી.આપ સરકારે દિલ્હી હાઇકોર્ટમાં બુધવારે કહ્યુ હતુ કે મામલાના દોષિત મુકેશ કુમાર, વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ અને પવન ગુપ્તાને પૂર્વ નિર્ધારિત તારીખ 22મી જાન્યુઆરીના રોજ ફાંસી ન આપી શકાય. કારણ કે તેમાંથી એક દોષીએ દયા અરજી કરી છે. તેમજ જેલના નિયમો પ્રમાણે જ્યાં સુધી દોષી પાસે તમામ કાયદાકીય વિકલ્પો સમાપ્ત નથી થઈ જતાં ત્યાં સુધી ફાંસી ન આપી શકાય. આથી હવે મુકેશ કુમાર સિંહની અરજી રદ થઈ ગયા બાદ ડૅથ વૉરંટ પર પણ આજે સુનાવણી થઈ શકે છે.