નીરવ મોદીના PNBમાં 11,300 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ભારતમાં તેના બિઝનેસની હાલત કથળી ગઈ છે. પોતાની આબરુ ગુમાવી ચૂકેલા નીરવ મોદીએ તેના કર્મચારીઓને પત્ર લખીને બીજી નોકરી શોધી લેવા જણાવ્યું છે. એવી ચર્ચા છે કે મોદી અત્યારે બેલ્જિયમમાં છે. તેની પ્રોપર્ટી, સંપત્તિ અને બેન્ક એકાઉન્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ટાંચમાં લેવાયા છે. નીરવ મોદીએ કંપનીના સ્ટાફને ઈ-મેઈલ કરીને જાણ કરી છે કે તે તેમને પગાર નહિ આપી શકે.
મોદીએ તેના સ્ટાફને લખેલા લેટરમાં જણાવ્યું છે, “અત્યારે ફેક્ટરી અને શો રૂમમાંથી મારો સ્ટોક જપ્ત થઈ જતાા અને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાતા અમે તમારા પગાર આપવાની સ્થિતિમાં નથી. આથી તમારે હવે બીજે નોકરી શોધવા માંડવી જોઈએ.”
ઈમેઈલમાં મોદીએ એમ પણ જણાવ્યું છે કે જે ઝડપે ઘટના આકાર લઈ રહી છે તે જોતા આ તપાસ કેટલી વાજબી છે તે અંગે તેને પ્રશ્નો ઊઠી રહ્યા છે. મોદીએ તેના સ્ટાફને બાકીના પૈસા આપી દેવાનો વાયદો કર્યો છે અને કહ્યું છે કે તેને ફ્રીઝ કરેલી સંપત્તિ અને માલનો કબ્જો મળે એટલે તે ફરી તેમની સાથે કામ કરવા માંગશે.