નેપાળ સરકારે દેશની ચલણી નોટો પર લખવા, ફાડવા, સળગાવા કે તેના પર લાઇન દોરવાને પણ અપરાધની શ્રેણીમાં ગણાવ્યું છે. નેપાળ સરકાર જાહેરાત કરી છે કે આ નિયમને 18 ઓગસ્ટથી દેશમાં લાગુ કરાશે, ક્રિમિનલ પ્રોસિજર કોડ એક્ટ 2007 મુજબ દેશની કરન્સી નોટ કે સિક્કાઓને કોઇ પણ જાતનું નુકશાન પહોંચાડતા ત્રણ મહિનાની જેલ અને 5000 નેપાળી રૂપિયા દંડ રૂપે લેવાશે.

આ સંદર્ભે નેપાળ રાષ્ટ્ર બેંક, સેંટ્રલ બેંકે બુધવારે પોતાની બધી જ શાખાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ નવા નિયમને લાગુ કરવા ખાતરી કરે. એનઆરબીના નોટ વ્યવસ્થા વિભાગના પ્રમુખ લક્ષ્મી પ્રપાન્ના નિરૌલાએ ગુરૂવારે જણાવ્યું કે આ કાયદો લાગુ થવાથી ચલણ લાંબો સમય સુધી સલામત રહેશે જેનાથી એનઆરબીના કરન્સી છાપવાના ખર્ચમાં બચત થશે.

અત્યાર સુધી નેપાળમાં માત્ર નકલી ચલણ પર જ કાયદો હતો, પહેલી વાર નેપાળ સરકારે વર્તમાન ચલણને કોઇ નુકસાન કરવા પર નિયમ લાગુ કર્યા છે. હાલમાં નેપાળમાં 28 હજાર કરોડ (458 અરબ નેપાળી ચલણ) ચલણમાં છે. જેમાં 30 ટકા જેટલી નોટો પર લાઇન ખેંચવા અને ઉપર લખવાને લીધે ખરાબ થઇ ગઇ છે.