કિંગ્સ ઈલેવન પંજાબની આઈપીએલની ટીમના માલિકોમાંના એક, ઉદ્યોગપતિ નેસ વાડિયા પાસેથી જાપાનમાં ડ્રગ્સ મળી આવ્યાના કેસમાં જાપાનીઝ ઓથોરિટીએ તેને બે વર્ષની જેલની સજા કરી હતી. જો કે આ સજા પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરાઈ હતી. નેસના ગુનાની સજા તેની આઇપીએલ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબને પણ નડે તેવી શક્યતા છે. આઇપીએલના નિયમો હેઠળ ટીમના માલિકની ગેરવર્તણૂંક કે ગુનાને કારણે ફ્રેન્ચાઈઝ ઉપર પણ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે અને બીસીસીઆઇનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે આ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઓપરેશનલ નિયમ અનુસાર કોઈ પણ ટીમના ઓફિસિઅલની વર્તણૂંક મેદાનની અંદર કે બહાર એવી ન હોવી જોઈએ કે જેનાથી તેની ટીમ, આઇપીએલ, બીસીસીઆઇ કે પછી ક્રિકેટની રમતની પ્રતિષ્ઠાને કલંક લાગે. કોઈ ટીમ અધિકારી આ માટે દોષીત ઠરે તો તેની સામે પગલા લેવામાં આવી શકે છે અને તેની ટીમને પ્રતિબંધ સહિતની સજા પણ થઈ શકે છે.
જાપાનના ટાપુ હોક્કાઈડોના ન્યુ ચિતોસે એરપોર્ટ પર નેસ વાડિયા પાસેથી ૨૫ ગ્રામ ગાંજાે પકડાયો હતો. આ પછી તે દોષિત ઠર્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા થઈ હતી, જે પાચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
૨૦૧૩માં આઇપીએલ સ્પોટ ફ્કિસંગ કેસની સાથે જ સટ્ટાબાજીનો મામલો પણ ખુલ્લો પડ્યો હતો. તેમાં બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અને ચેન્નાઈની ટીમના માલિક એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન સામે સટ્ટાબાજીનો આરોપ મુકાયો હતો. રાજસ્થાન રોયલ્સની ટીમના સહ માલિક રાજ કુન્દ્રા ઉપર પણ આવો જ આરોપ મૂકાયો હતો. તે અંગે બીસીસીઆઇએ તો કડક પગલાં ભર્યા નહોતા, પણ સુપ્રીમ કોર્ટે નિમેલી નિવૃત્ત ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાની સમિતિએ તેમને દોષીત ઠેરવતા બંને પર આજીવન પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમની ફ્રેન્ચાઈઝને બે-બે વર્ષના પ્રતિબંધનો દંડ કરાયો હતો. હવે કિંગ્સ ઈલેવન પંજાબને પણ આવી સજા થવાની શક્યતા છે.