૨૦૧૬ના નવેમ્બરમાં નૉટબંધી જાહેર થયા બાદ ૧૪ લાખથી વધુ શંકાસ્પદ સોદાના અહેવાલ (એસટીઆર) બૅન્કો અને અન્ય નાણાં સંસ્થા દ્વારા કરવેરાના ગુના સંબંધી આવ્યા છે, એમ એફઆઈયુના રિપોર્ટમાં જણાવાયું છે. ૨૦૧૭-૧૮ માટે બનાવટી કરન્સી ડિપોઝિટ સહિત અન્ય શંકાસ્પદ સોદાના આંકડા એજન્સીએ જાહેર કર્યાં છે.

એફઆઈયુની સ્થાપના બાદ એસટીઆરના સૌથી મોટા આંકડા છે જે અગાઉ કરતાં ૧૪ ગણા છે. નાણાં મંત્રાલય હેઠળ સેન્ટ્રલ એજન્સી એફઆઈયુ છે જે મની લોન્ડરિંગ, આતંકી ફાયનાન્સ, કરવેરા કૌભાંડ, કરવેરા સંબંધી ગુના બાબતના શંકાસ્પદ નાણાકીય સોદાનું પૃથકરણ કરે છે.

૨૦૧૭-૧૮ દરમિયાન બૅન્કો અને નાણાં સંસ્થાએ નૉટબંધી દરમિયાન સોદાની તપાસ હાથ ધરી હતી. પરિણામ સ્વરૂપ ૧૪ લાખથી વધુ એસટીઆર એફઆઈયુને મળ્યા છે જે ૨૦૧૬-૧૭ કરતાં ત્રણ ગણા વધુ છે.

નૉટબંધી અગાઉની તુલનાએ ૧૪ ગણા વધુ છે, એમ એજન્સી ડિરેકટર પંકજકુમાર મિશ્રાએ કહ્યું હતું. આ સંબંધી અહેવાલ સરકારને સુપરત કરાયો છે. એસટીઆરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

નૉટબંધી બાદ બૅન્કોમાં મોટા પ્રમાણમાં રોકડ જમા થઈ હતી. અસંખ્ય આંતર બૅંક સોદા થયા હતા. નૉટબંધી અગાઉના એસટીઆર રિપોર્ટની સંખ્યા જોઈએ તો ૨૦૧૩-૧૪માં ૬૧,૯૫૩ રિપોર્ટ, ૨૦૧૪-૧૫માં ૫૮,૬૪૬ તથા ૨૦૧૫-૧૬માં ૧,૦૫,૯૭૩ રિપોર્ટ આવ્યા હતા.

૧૪ લાખ એસટીઆર ૨૦૧૭-૧૮ દરમિયાન મળ્યા છે તે પૈકી ૮૨,૫૯૫ પ્રોસેસ થઈ ગયા છે. બાકીના વિભિન્ન તપાસ એજન્સી હેઠળ પ્રોસેસિંગમાં છે.

આઈટી વિભાગે અહેવાલના આધારે રૂ. ૧૯,૬૨૭.૯૯ કરોડનું કાળું નાણું શોધી કાઢયું છે. ઈડીએ રૂ. ૯૮૪.૯૮ કરોડની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરી છે. એસટીઆરમાં સીસીઆરનો પણ ઉલ્લેખ છે જે ૨૦૧૬-૧૭માં ૭,૩૩,૫૦૮ હતો તે ઘટીને ૨૦૧૭-૧૮માં ૩,૫૩,૭૯૫ થયો છે.