યાન ગુજરાતી ભાષામાં સૌથી રૂઢ અને સ્થાયી થયેલા શબ્દ તરીકે ‘વર્ડ ઓફ ધ યર’નું બિરૂદ ‘નોટબંધી’ શબ્દને ફાળે ગયું છે. ‘ગુજરાતી લેક્સિકન’ અને ‘નવગુજરાત સમય’ દ્વારા ભારતીય ભાષાઓમાં પહેલીવાર આ પ્રકારની વિશેષ કવાયત હાથ ધરાઇ હતી. લોકોનાં સૂચનો તથા તેના પર પરામર્શ કમિટીએ હાથ ધરેલા વિમર્શ બાદ આ ‘નોટબંધી’ શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે સ્થાન અપાયું છે.
વિદેશમાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ તથા અન્ય સંસ્થાનો દ્વારા આ રીતે કોઇ એક ખાસ શબ્દને વર્ષભર સૌથી વધુ ગાજેલા કે ચર્ચાયેલા શબ્દ તરીકે સ્વીકૃત કરવામાં આવે છે. ભાષા સંવર્ધન તથા સમૃદ્ધિની રીતે થતી આ અનોખી કવાયત આ વખતે ગુજરાતી ભાષામાં પહેલીવાર હાથ ધરવામાં આવી છે. ‘ગુજરાતીલેક્સિકન અને નવગુજરાત સમય’ દ્વારા ‘વર્ડ ઑફ ધ યર – 2018’નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં નિષ્ણાતો ઉપરાંત લોકો પાસેથી શબ્દના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ માટે મળેલા વિવિધ સૂચનોમાંથી શબ્દોની ઉપયોગિતા, વપરાશ અને મહત્ત્વ જેવાં વિવિધ પાસાંઓના અભ્યાસ અને વિમર્શ બાદ શ્રી યોગેન્દ્ર વ્યાસ, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી પ્રકાશ શાહ, શ્રી મનસુખ સલ્લાની સમિતિ દ્વારા સર્વાનુમતે ‘નોટબંધી’ શબ્દને વર્ષ 2018ના શબ્દ તરીકે નક્કી કરવામાં આવ્યો છે, અને એ રીતે ‘નોટબંધી’ શબ્દને ‘વર્ડ ઑફ ધ યર – 2018’ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
નિષ્ણાતોની સમિતિના મતે ભલે આ શબ્દ વર્ષ 2018નો નવો શબ્દ નથી પણ આ શબ્દની સૌથી વધુ અસર 2018માં જોવા મળી અને 2018માં આ શબ્દ સ્થિર બન્યો અને સ્થાયી થયો. ઉપરાંત સમિતિ દ્વારા એ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આ શબ્દ સમગ્ર ભારતીય જનતાને એટલે કે શહેરમાં વસતાં અને ગામડામાં વસતાં બધાં નાગરિકોને અસર કરી ગયો છે.
વર્ષ ૨૦૧૮ દરમિયાન સૌથી રૂઢ થયેલા કે સૌથી ચર્ચાયેલા શબ્દ તરીકે લોકોએ વિવિધ શબ્દો સૂચવ્યા હતા. ખાસ કરીને નોટબંધી ઉપરાંત સૌરઉર્જા, જીએસટી, પીડિતા, મીટુ અને પોસ્ટ ટ્રુથ શબ્દો વિશે પણ મહત્તમ ચર્ચા થઇ હતી. પરંતુ આ વિકલ્પોમાંથી નોટબંધી સૌથી સ્વીકૃત શબ્દ બન્યો હોવાનું પરામર્શ સમિતિએ ઠેરવ્યું હતું.