યુરોપિયન યુનિયન સાથે કોઈ કરાર કર્યા વગર બ્રિટન તેનાથી અલગ પડશે તો તેના કારણે વિશ્વમાં 6લાખ નોકરીઓ પર જોખમ ઊભું થશે તેવું એક સર્વેમાં જાણવા મળ્યું છે. આ સર્વેમાં જણાવાયું છે કે,આવી સ્થિતિ સર્જાય તો તેના કારણે જર્મનીને સૌથી વધુ અસર થશે. જર્મનીના હેલમાં આઇડબલ્યુએચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ બ્રેક્ઝિટ પછી યુકે બાકીના યુરોપિયન યુનિયનમાંથી આયાત કરે તો શું થાય તે તપાસ્યું હતું. તેમની ગણતરી મુજબ યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીમાં 103,000 અને ફ્રાંસમાં50 હજાર જોબ્સ જોખમમાં મુકાશે. અર્થશાસ્ત્રીઓના મતે ઘણા આધુનિક અર્થતંત્રોમાં કૌશલ્યયુક્ત કામદારોની અછતને કારણે કંપનીઓ તેમના કર્મચારીઓના કામ કલાકો ઘટાડશે અથવા નવું માર્કેટ ઊભું કરશે.

‘ટેંગલિંગ અપ ગ્લોબલ સપ્લાય ચેઇન્સ’ના સહ-લેખક ઓલિવર હોલ્ટમોલરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કરાર વગર બ્રિટનના છૂટા પડવાના આકરા નિર્ણયના સંજોગોમાં બોર્ડર પર ટેકસ લાગુ થવાની સંભાવના છે. અર્થશાસ્ત્રીઓ ફક્ત માલ-સામાનના વેપાર અને સર્વિસીઝ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રી કરી રહ્યા છે, જ્યારે બ્રેક્ઝિટને કારણે રોકાણના વેગમાં શું આર્થિક તફાવત આવશે તે મુદ્દે કોઇ વાત કરી નથી. તેમણે નોંધ્યું છે કે, વિશ્વમાં બજારો એક-બીજા સાથે જોડાયેલા છે ત્યારે યુરોપિયન યુનિયનની બહારના સપ્લાયર્સને પણ ‘નો ડીલ બ્રેક્ઝિટ’ની અસર થશે. યુરોપિયન યુનિયનના બાકીના 27 દેશોની કંપનીઓ જે યુકેમાં સીધી નિકાસ કરે છે તેના પર પણ જોખમ ઊભું થશે. જે કંપનીઓ બ્રિટનમાં નિકાસ કરતી હતી તેના યુરોપિયન યુનિયન અને વિશ્વમાં વધુ 433,000 કામદારોને અસર થશે. સર્વેમાં એક અંદાજ મુજબ ચીનમાં 60 હજાર અને જાપાનમાં 3 હજાર લોકો નોકરી ગુમાવશે.

રીસર્ચ કંપની-કેમ્બ્રિજ ઇકોનોમેટ્રિક્સના ગત વર્ષે પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, એવું અનુમાન કરવામાં આવે છે કે, જો કોઇ સમજૂતી ન થાય તો બ્રિટનમાં કુલ 5 લાખ જોબ્સ ઉપર જોખમ ઊભું થશે. યુરોપનું પાવરહાઉસ ગણાતા જર્મનીમાં મહત્ત્વના ગણાતા કાર ઉદ્યોગને 15 હજાર જોબ્સના નુકશાન સાથે સૌથી ખરાબ અસર થશે, જેમાં વોલ્ફ્સબર્ગમાં ફોક્સવેગન કંપનીને અને ડિંગોલફિંગમાં બીએમડબલ્યુનો સમાવેશ થાય છે. ફ્રાંસના સર્વિસ સેક્ટરને પણ ખરાબ અસર થશે તેવું આ અભ્યાસમાં જણાયું છે.