યુરોપિયન યુનિયનના નેતાઓએ શુક્રવારે (1 ફેબ્રુઆરી) એ બાબતે સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે, ઈયુથી અલગ પડવાની પ્રક્રિયામાં બ્રિટન અને ઈયુ વચ્ચે ‘નો ડીલ બ્રેક્ઝિટ’ની સ્થિતિ વાસ્તવિક બને તો પણ બ્રિટિશ નાગરિકોને યુરોપિયન દેશોના પ્રવાસે જવા માટે વીસા નહીં લેવો પડે. એવા પ્રવાસમાં બિઝનેસ પ્રવાસનો પણ સમાવેશ થાય છે. ત્રણ મહિના સુધીના ટુકાં ગાળાના પ્રવાસ કે મુલાકાત માટે આ સુવિધા મળી રહેશે. બ્રિટને પણ યુરોપિયન દેશોના નાગરિકો માટે આવી સુવિધાની જાહેરાત કરી છે.

આ જાહેરાતમાં જો કે સ્પેઈન અને બ્રિટન વચ્ચે રોક ઓફ જિબ્રાલ્ટરનો વિવાદ ફરી ચગ્યો હતો, પણ તેને એક તરફ રાખીને યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટે ઉપરોક્ત નિર્ણય લીધો હતો. બ્રિટિશ સંસદમાં બ્રેક્ઝિટ ડીલ મુદ્દે પ્રવર્તી રહેલી અંધાધૂંધીભરી સ્થિતિના સંદર્ભમાં આગામી સમર વેકેશનમાં પ્રવાસે જવા ઈચ્છતા લોકો પોતાના પ્રવાસના બુકિંગમાં અનિશ્ચિતતાનો ભોગ બની રહ્યા હતા તેમના માટે આ એક મોટા રાહતના સમાચાર છે. યુરોપિયન પાર્લામેન્ટની એક કમિટીએ મંગળવારે આવી દરખાસ્ત માટે સંમતિ દર્શાવી હતી અને તે નિર્ણયને ઈયુના તમામ દેશોના એમ્બેસેડર્સે સહી સિક્કા કરી અમલી બનાવ્યો હતો.

હાલની સ્થિતિ મુજબ તો બ્રિટન આગામી તા. 29મી માર્ચે રાત્રે 11.00 વાગ્યે યુરોપિયન યુનિયનથી અલગ થઈ જવાનું છે અને હવે તેની આડે ફક્ત 56 દિવસ બાકી રહ્યા છે.

ઈયુના દેશોમાં વીસાની જરૂરતમાંથી મુક્તિનો લાભ હાલમાં લગભગ 60 જેટલા દેશોને મળે છે અને તેમાં આર્જેન્ટીનાથી લઈને જાપાન અને યુક્રેઈનનો પણ સમાવેશ થાય છે. જો કે, આ મુક્તિમાં ઈયુ દેશોમાં જોબ – કામ કરવાનો અધિકાર નથી મળતો.