યુરોપિયન યુનિયનની કાઉન્સિલે રવિવારે આપેલા સંકેતો મુજબ યુકેનું બ્રેક્ઝિટનું કોકડું ગૂંચવાયેલું છે અને ઈયુથી અલગ થવાની તેની સમયમર્યાદા હવે માંડ પાંચ સપ્તાહ જેટલા સમય પછી પુરી થવાની છે, ત્યારે યુકે અને ઈયુ વચ્ચે બન્ને પક્ષોને સ્વીકાર્ય હોય તેવી કોઈ સમજુતી નહીં થાય તો પણ (‘નો ડીલ બ્રેક્ઝિટ’) યુરોપિયન યુનિયને ઘડેલી તાકિદની યોજના મુજબ થોડા મહિનાઓ માટે તો ઈયુ દેશોમાં યુકેની એરલાઈન્સના વિમાનો તેમજ માલવાહક લોરીઝને કોઈ રોકટોક વિના અવરજવર કરવા દેવામાં આવશે. ઈયુના નિર્ણય મુજબ તો યુકેમાં ફૂડની (ખાદ્ય પદાર્થોની) તંગી સર્જાય તો એ સંજોગોમાં ઈયુ ‘ફૂડ એઈડ’ પણ મોકલશે.

ઈયુ કાઉન્સિલે જણાવ્યું હતું કે, નો ડીલ બ્રેક્ઝિટના કિસ્સામાં પણ ઓછામાં ઓછા કેટલાક મહિનાઓ માટે ‘બેઝિક એર એન્ડ રોડ લિંક્સ’ યથાવત જાળવવામાં આવશે. આ મૂળભૂત રીતે તો તાકિદની, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટેની યોજનાઓ છે, છતાં એમાં એવા સ્પષ્ટ સંકેતો છે કે, 29 માર્ચના રોજ યુકે અલગ પડશે તે સાથે જ કઈં તેની એરલાઈન્સની ફલાઈટ્સને યુરોપના દેશોમાં લેન્ડીંગ ઉપર કે યુકેની લોરીઝને ઈયુ દેશોના માર્ગો ઉપર પ્રતિબંધ નહીં ફરમાવાય.

ઈયુ કાઉન્સિલ દ્વારા આ સંકેતો અપાયા તેના પગલે યુકેના ભૂતપૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબે કહ્યું હતું કે, ઈયુની આ યોજનાએ અંધાધૂંધી સર્જાશે તેવો ભય ફેલાવનારા લોકોના અપપ્રચારને ખોટો સાબિત કર્યો છે. નો ડીલ બ્રેક્ઝિટના કિસ્સામાં બન્ને પક્ષો પરસ્પર સહયોગ માટે તૈયાર હોય તો ઈયુ આવી સુવિધા આપવા તૈયાર હોવાની વાત આવકાર્ય છે, એમ કહેતા તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયન અને યુકે શાણપણ સાથે પરસ્પરના હિતો માટે કામ કરી શકે તેમ હોવાનું ઈયુના આ નિર્ણયથી સાબિત થાય છે. આ દરખાસ્તતોને જો કે આજથી શરૂ થતી યુરોપિયન સંસદમાં બહાલી મળવી આવશ્યક છે.

એ બહાલી મળે તો 2019ના અંત સુધી લોરીઝ પરસ્પર બન્ને પક્ષોની હદમાં અવરજવર કરી શકશે, બન્ને તરફની એરલાઈન્સની ફલાઈટ્સ કમ-સે-કેમ 26 ઓક્ટોબર, 2019 સુધી અવરજવર કરી શકશે. ત્યાં સુધીમાં પણ કોઈ સમજુતી સધાય નહીં તો પછી યુરોપિયન યુનિયનના દરેક દેશે દ્વિપક્ષી ધોરણે યુકે સાથે પોતાની વ્યવસ્થા ગોઠવવી પડશે. નો ડીલ બ્રેક્ઝિટના સંજોગોમાં ઈયુ દ્વારા તૈયાર કરાયેલી તાકિદની સ્થિતિની યોજનામાં યુકેને ‘માનવતાના ધોરણે’ ફૂડ એઈડ પણ પહોંચાડવાનો સમાવેશ થાય છે.

બેંક્સ પણ લંડનથી કારોબાર ચલાવી શકશેઃ ઈયુએ યુરોપિયન બેંક્સને પણ બ્રિટન અલગ પડે તે પછી એક વર્ષ સુધી તેઓ લંડન ખાતેની સુવિધાઓનો ક્લિયરીંગ, ડેરીવેટીવ્ઝ વગેરેનો કારોબાર ચલાવી શકે તેવી મંજુરી આપી છે. યુરોપની વિરાટ બેંક્સ હાલમાં લંડનમાં આવેલા ક્લિયરીંગ હાઉસના માધ્યમથી મોટા પાયે વ્યવહારો ચલાવી રહી છે અને તેમના માટે બ્રિટન અલગ થાય પછી કેવી રીતે કામકાજ આગળ ધપાવવું તે એક મુશ્કેલીભર્યો મુદ્દો હતો. યુરોપિયન બેંક્સનો લંડન સ્થિત ક્લિયરીંગ હાઉસ દ્વારા થતો કારોબાર £60 ટ્રિલિયનનો છે.

બ્રેક્ઝિટમાં વિલંબ સામે ઈયુને વાંધો નહીઃ સોમવારે (18) બ્રસેલ્સમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ જીન ક્લોડ જંકરે કહ્યું હતું કે, યુરોપિયન પાર્લામેન્ટની ચૂંટણીઓ આગામી મે મહિનામાં થવાની છે અને બ્રેક્ઝિટનો ઉકેલ ના આવે તો મે મહિના પછી પણ બ્રિટનના ઈયુના સભ્યપદ સામે યુનિયનને કોઈ વાંધો હશે એવું પોતે માનતા નથી. યુકેએ બ્રેક્ઝિટ માટે સમયમર્યાદા વધારવાની વિનંતી કરવાની રહે છે. પણ પોતે એવું માને છે કે, એ સમયમર્યાદા વધારવા સામે ઈયુના કોઈ મેમ્બરને વાંધો નહીં હોય. બ્રેક્ઝિટની સમયમર્યાદા કેટલી લંબાવી શકાય તે વિષે પણ તેમના મગજમાં કોઈ લિમિટ અંગે વિચાર નથી, પણ એની કોઈ લિમિટનો પણ ઈયુ દ્વારા આગ્રહ નહીં રખાય એવું તેઓ માને છે. જંકરના કહેવા મુજબ બ્રેક્ઝિટના મામલે અનેક સમયમર્યાદાઓ પાળી શકાઈ નથી, સમયમર્યાદા કોઈ પ્રશ્ન જ રહેતો નથી.