ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી શ્રેણીની બીજી ટી20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે પરાજય આપીને ત્રણ મેચની સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. ભારતીય ટીમને જીતવા માટે 159 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે તેણે 7 બોલ બાકી રાખીને હાસિલ કરી લીધો હતો. ભારતે 18.5 ઓવરમાં 159 રન બનાવી મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 50 રન ફટકાર્યા હતા. આ સિવાય રિષભ પંતે અણનમ 40 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે ભારત પ્રથમવાર ન્યૂઝીલેન્ડની ધરતી પર ટી20 મેચ જીતવામાં સફળ થયું છે. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટી20 મેચ 10 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.

159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા શરૂઆતથી આક્રમક જણાતો હતો. ટીમે પ્રથમ 6 ઓવરમાં જ 50 રન ફટકારી દીધા હતા. પાવરપ્લે બાર રોહિત શર્માએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે ટી20માં 100 સિક્સ ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. આ સાથે રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તેણે માર્ટિન ગુપ્ટિલનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત (50) સોઢીનો શિરાક બન્યો હતો. સાઉદીએ કેચ ઝડપીને તેને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે 29 બોલમાં 4 સિક્સ અને 3 બાઉન્ડ્રી ફટકારી હતી.

બંન્નેએ પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ શિખર ધવન (30)ને ફર્ગ્યુસને આઉટ કર્યો હતો. ધવન આઉટ થયા બાદ વિજય શંકર ક્રીઝ પર આવ્યો હતો. તેણે પંત ચાથે ત્રીજી વિકેટ માટે 30 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. વિજય શંકરે 14 રન બનાવ્યા હતા. તેને ડેરિલ મિશેલે પોતાનો શિકાર બનાવ્યો હતો. શંકરે 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ત્યારબાદ ધોની અને પંતે ચોથી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી હતી.

બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ મેચનો હીરો ટિમ સીફર્ટ (12) રન બનાવી ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. તેણે 12 બોલનો સામનો કરતા 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ત્યારબાદ પાવરપ્લેની અંતિમ ઓવરમાં ક્રુણાલ પંડ્યાએ કોલિન મુનરો (12) અને ડેરિલ મિશેલ (1)ને આઉટ કરીને કીવીને બે ઝટકા આપ્યા હતા. પાવરપ્લે પૂરો થયો ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 43 રન હતો. ટીમે 50 રન પૂરા કર્યા ત્યારે કેન વિલિયનસન (20)ને ક્રુણાલ પંડ્યાએ પોતાનો શિકાર બાવ્યો હતો.

ત્યારબાદ રોસ ટેલર અને કોલિન ડિ ગ્રાન્ડહોમે શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. બંન્નેએ પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. કોલિન ડિ ગ્રાન્ડહોમ (50)એ ટી20 કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેને હાર્દિક પંડ્યાએ પોતાનો શિકાર બન્યો હતો. ગ્રાન્ડહોમે 28 બોલમાં ચાર સિક્સ અને 1 બાઉન્ડ્રી ફટકારી હતી.

ત્યારબાદ ટીમનો સ્કોર 153 રન હતો ત્યારે રોસ ટેલર (42)ને વિજય શંકર સીધા થ્રો દ્વારા રનઆઉટ કર્યો હતો. ટેલરે 36 બોલમાં ત્રમ બાઉન્ડ્રી ફટકારી હતી. સેન્ટનર (7)ને ખલીલ અહમદે બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી ક્રુણાલ પંડ્યાએ 4 ઓવરમાં 28 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ખલીલને બે તથા હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમારને એક-એક સફળતા મળી હતી.