ભારતીય ક્રિકેટ ટીમે વેલિંગ્ટનમાં રવિવારે (3) પાંચમી અને છેલ્લી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 35 રને હરાવી પાંચ મેચની વન-ડે સીરિઝમાં 4-1થી ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. પહેલા બેટિંગ પસંદ કરી ભારતે 49.5 ઓવરમાં 252 રન કર્યાં હતા. તેની સામે ન્યૂઝીલેન્ડ ટીમ 44.1 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે ત્રણ અને મહમ્મદ શમી તથા હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે ભૂવનેશ્વર કુમાર અને કેદાર જાદવને એક-એક વિકેટ મળી હતી. મેચમાં શ્રેષ્ઠ દેખાવ માટે અંબાતી રાયડુને ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ તેમજ સીરીઝમાં શ્રેષ્ઠ દેખાવ બદલ મોહમ્મદ શમીને ‘મેન ઓફ ધ સીરીઝ’ એવોર્ડ અપાયો હતો.
ભારતીય ઈનિંગની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. 18 રનમાં તો ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા બે રન અને શિખર ધવન 6 રન કરી પેવેલિયન ભેગા થયા હતા. આ સિવાય શુભમાન ગિલે 7 અને મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 1 રન કર્યો હતાે. અંબાતી રાયડુએ સૌથી વધારે 90 રન કર્યા હતા. અંબાતી રાયડુ અને વિજય શંકરની 98 રનની ભાગીદારી થકી ભારતીય ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી હતી. વિજય શંકરે 64 બોલમાં 45 રન કર્યા હતા તો ઓલરાઉન્ડ દેખાવ કરતાં હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 45 રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 39 તથા વિકેટકીપર બેટ્સમેન ટોમ લેથમે 37 રન કર્યા હતા. જેમ્સ નિશમે 44 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડ 44.1 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
ચોથી વન-ડેમાં ભારતનો આઘાતજનક પરાજયઃ આ પહેલા, હેમિલ્ટનમાં ગુરૂવારે (31 જાન્યુઆરી) રમાયેલી ચોથી વન-ડેમાં ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર્સના વેધક આક્રમણ સામે કંગાળ બેટીંગના પગલે ભારતનો 8 વિકેટે આઘાતજનક પરાજય થયો હતો. ભારતે પહેલા બેટિંગ કરી ફક્ત 92 રનનો કંગાળ સ્કોર કર્યો હતો. તેના જવાબમાં ન્યૂઝિલેન્ડે 14.2 ઓવર્સમાં માત્ર બે વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કર્યો હતો,
ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બાઉલ્ટને માત્ર ૨૧ રનમાં પાંચ વિકેટના શાનદાર દેખાવ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો, તો સ્ટેન્ડ ઈન કેપ્ટન રોહિત શર્મા પોતાની ૨૦૦મી વન ડે યાદગાર બનાવી શક્યો નહોતો. ભારતના ટોચના છમાંથી એકમાત્ર ધવન (૧૩) ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યો હતો.