ન્યૂ યોર્કમાં ઉબરના ડ્રાઇવર તરીકે કાર્યરત ભારત વંશીય યુવાન એક મહિલાના અપહરણ બદલ દોષિત ઠર્યો છે. 25 વર્ષની વયના ડ્રાઇવર હરબિર પરમાર ઉપર મુસાફરી દરમિયાન નિંદ્રાધિન મહિલાને તેના નિયત સ્થળ કરતા 60 માઇલ દૂર લઇ જઇ તેની પાસેથી વધુ ભાડુ વસૂલ કરવાનો આરોપ હતો.

હરબિરની ગત ઓક્ટોબરમાં ધરપકડ કરાઈ હતી. વ્હાઇટ પ્લેઇન્સ ફેડરલ કોર્ટે પરમારને અપહરણના ગુનામાં દોષિત ઠેરવ્યો છે અને તેને આ કેસમાં વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છેજ્યારે છેતરપિંડીના કેસમાં વધુમાં વધુ 20 વર્ષની જેલની સજા થઈ શકે છે. હરબિરને જુન મહિનામાં સજા ફરમાવાશે. યુએસ એટર્ની બર્મને જણાવ્યું હતું કેહરબિરે એક નિર્બળ મહિલાનો લાભ ઉઠાવી તેનું અપહરણ કર્યું હતું અને તેના ઉપર ત્રાસ ગુજાર્યો હતો.

આ ઉપરાંત તેણે આ કાર સર્વિસ દ્વારા ઘણા ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ વસૂલીને છેતરપિંડી આચરી હતી. આ મહિલા મુસાફર ફેબ્રુઆરી 2018માં હરબિરની કારમાં પાછળ બેસીને મેનહટ્ટનથી ન્યૂયોર્કના વ્હાઇટ પ્લેઇન્સ જતી હતી ત્યારે હરબિરે નિંદ્રાધિન મહિલાની ઉબરની મોબાઇલ એપમાંથી તેમનું સ્થળ બદલીને બોસ્ટન અને મેસેચ્યુએટ્સ કરીને ત્યાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો.

આ મહિલા ઊંઘમાંથી જાગી ત્યારે તેમની કાર કનેક્ટિકટમાં હતી. તેણે હરબિરને વ્હાઇટ પ્લેઇન્સ અથવા પોલીસ સ્ટેશન લઇ જવા કહ્યું પરંતુ હરબિરે તેના આદેશને નકાર્યો અને મહિલાને કનેક્ટિકટના હાઇવે પર ઉતારી દેતાં મહિલાએ નજીકના કન્વિનિયન્સ સ્ટોરમાં જઇ મદદ માગવી પડી હતી. અગાઉ પણ ડિસેમ્બર 2016માં હરબિરે તેની મોબાઇલ એપ દ્વારા ઘણી વખત ગ્રાહકોને સ્થળની ખોટી માહિતી આપી હતી.