વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરૃધ્ધ ભરપૂર એન્ટીઇન્કમ્બન્સી હોવા છતાંય કોંગ્રેસ જરાય રાજકીય લાભ મળ્યો નહીં પરિણામે સતત છઠ્ઠીવાર હારનો સામનો કરવો પડયો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં આ પરિસ્થિતી માટે જવાબદાર પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાઓથી ભારોભાર નારાજ છે. હાઇકમાન્ડે પક્ષવિરોધીઓનો રિપોર્ટ માંગ્યો છે. નવાઇની વાત એ છે કે,પક્ષવિરોધી પ્રવૃતિનો રિપોર્ટ માંગનારાં પ્રદેશ કોંગ્રેસ નેતાઓ વિરૃધ્ધ જ ફરિયાદો આવી છે. સૂત્રો કહે છે કે,રાહુલ ગાંધીએ રિપોર્ટ માંગતા પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારો,શહેર અને જીલ્લા પ્રમુખો પાસે બેઠક દીઠ પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાઓની વિગત મંગાવી છે. ૨જી જાન્યુઆરી સુધીમાં આ વિગતો પ્રદેશ કોંગ્રેસને મોકલી આપવા કહેવાયુ હતુ. ખુદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વિરૃધ્ધ જ એવી ફરિયાદો પહોંચી છે કે,ચૂંટણીમાં પોતાના મળતિયાઓને જીતાડવામાં કોંગ્રેસી નેતાઓએ ખૂબ જ રસ દાખવ્યો જયારે અન્ય ઉમેદવારોએ ફંડ માંગ્યુ તો મોડુ મોકલાયુ હતું. જાહેરસભા-ચૂંટણીપ્રચારમાં સંકલન રાખવામાં જ આવ્યુ ન હતું. ઉમેદવારો સામે ચાલીને પ્રદેશના નેતાઓને સભા-પ્રચાર માટે બોલાવાયાં છતાંયે કોઇ પ્રત્યુતર આપવામાં આવ્યો ન હતો.પક્ષલેવલે સ્થાનિક કક્ષાએ સંગઠનને કોઇ સૂચના આપવામાં આવી ન હતી.અમુક સ્થળોએ બૂથલેવલે પણ કામગીરી શૂન્ય રહી હતી. પ્રદેશના નેતાઓ માત્ર રાહુલ ગાંધીના પડખે રહીને ચૂંટણીપ્રચારના નાટકમાં જ રચ્યાપચ્યા હતાં.જો સંકલન સાધીને કામ કરાયુ હોત તો,કદાચ કોગ્રેસની સરકાર રચાઇ હોત.એટલું જ નહીં,બીજા તબક્કાની યાદીમાંય કોંગ્રેસના નેતાઓએ નાણાં લઇને ટિકિટની ભાગબટાઇ કરી હોવાની પણ ફરિયાદો થઇ છે. ભાજપના ઇશારે જ ઘણી બેઠકો પર નબળા ઉમેદવારો મૂકાયા હતાં,છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલાયા હતાં. આ ઉપરાંત ઉમેદવારો પાસે સામે ચાલીને ફંડમાં કટકી માટે ચેક માંગવામાં આવ્યા હતાં. ઉમેદવારો,શહેર-જીલ્લા પ્રમુખોએ અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ ફરિયાદો પ્રદેશ કોંગ્રેસ સમિતીએ મોકલી આપી છે. આ બધીય ફરિયાદો સાથે એક અહેવાલ રાહુલ ગાંધીને મોકલવામાં આવશે. રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓના ખેલ ઘણી નજીકથી જોયા છે પરિણામે હવે યુવાનેતાગીરીને આગળ ધરીને માત્ર હોદ્દા ભોગવતા સિનિયરોને ઘેરભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવ્યુ છે. ઉમેદવારોની એક ફરિયાદ છેકે, પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીના ઢંગધાડા વિનાના ચૂંટણીલક્ષી આયોજનને લીધે જ આ વખતે કોંગ્રેસ સરકાર બનાવતા રહી ગઇ છે.પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાંને જ નહીં,પક્ષમાં રહીને પક્ષનો ઘોર ખોદનારાને સસ્પેન્ડ કરવા માંગણી ઉઠી છે.