બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તથા તેની બહેન રંગોલીએ મીડિયાને ખરું-ખોટું સંભળાવ્યું અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. હવે, ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ કંગનાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈં ક્યા’ને પૂરી રીતે બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે.
સંસ્થાએ નક્કી કર્યું છે કે કંગનાને મીડિયા કવરેજ આપવામાં આવશે નહીં. બોયકોટના નિર્ણય બાદ ફિલ્મની પ્રોડ્યૂસર એકતા કપૂરે માફી માગી છે.એન્ટરટેઈન્મેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડ ઓફ ઈન્ડિયા નામની સંસ્થાએ ફિલ્મની પ્રોડ્યૂસર એકતા કપૂરને એક પત્ર લખ્યો છે. જેમાં ફિલ્મને પૂરી રીતે બોયકોટ કરવાની અને કોઈ પણ મીડિયા કવરેજ ના આપવાની વાત કહેવામાં આવી છે.
આ પત્રની સબ્જેક્ટ લાઈનમાં ફિલ્મ ‘જજમેન્ટલ હૈં ક્યા’ ગીતની લોન્ચિંગ ઈવેન્ટમાં કંગનાના અયોગ્ય વ્યવહારની નિંદાની માગણી કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે તમારી ટીમે અમને અંધેરીમાં આયોજીત તમારી એક ઈવેન્ટને કવર કરવાની વિનંતી કરી હતી. આ ઈવેન્ટમાં કંગના રનૌત તથા રાજકુમાર રાવ હતાં. કંગના અમારા એક પત્રકાર પર ખરાબ રીતે ભડકી ગઈ હતી. વધુમાં પત્રમાં લખવામાં આવ્યું હતું કે તમે આ ઈવેન્ટમાં હાજર હતાં અને તમને પૂરી બાબત ખ્યાલ છે.
અમે આ મામલે એક લેખિત સ્ટેટમેન્ટ તથા કંગના દ્વારા કરેલા વર્તાવની નિંદાની માગણી કરીએ છીએ.ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ બોયકોટની વાત કરતાં એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સે માફી માગી હતી. એકતા કપૂરે નિવેદનમાં કહ્યું હતું કે કંગના તથા પત્રકાર વચ્ચે જે થયું તેનો તેને અફસોસ છે. જોકે, નવાઈની વાત એ છે કે એકતાએ આ મામલાની નિંદા કરી નથી. તેણે એમ કહ્યું હતું કે આ કંગના તથા પત્રકાર વચ્ચેની વાત છે.