શુક્ર બ્રિટનના સંશોધકોએ કરેલા અભ્યાસ પરથી દાવો કરતાં જણાવ્યું છે કે જે લોકો પરિણીત છે તેમને હાર્ટની બીમારી તેમજ સ્ટ્રોકનો ખતરો ઓછો રહેતો હોવાથી તેઓ લાંબું જીવન જીવી શકે છે. આ અંગે હાર્ટ જર્નલમાં પ્રકાશિત કરાયેલા અભ્યાસમાં વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ અગાઉ કરવામા આવેલા અભ્યાસમાં પરિણીત લોકો પર કરેલા અભ્યાસમાં જે તારણ મળ્યાં હતાં તેના આધારે સંશોધકોએ અનેક પ્રકારના સર્વે કર્યા છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ૮૦ ટકા હૃદયરોગો પાછળ ઉંમર, જાતિ, હાઈ બ્લડપ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ, ધ્રુમપાન અને ડાયાબિટિસ જેવાં પરિબળો જવાબદાર માનવામાં આવે છે. તેમ છતાં બાકીના ૨૦ ટકા કેસ કેમ બહાર આવે છે.તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. બ્રિટનની કિલે યુનિવર્સિટીના સંશોધકોએ યુરોપ, ઉત્તર અમેરિકા, મધ્ય પૂર્વ અને એશિયાના ૪૨ થી ૭૭ વર્ષની વયના લગભગ ૨૦ લાખ લોકો પર કરવામા આવેલા અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

જેના પરથી જાણવા મળ્યું હતું કે પોતાના જીવનસાથીને હંમેશાં માટે ગુમાવી દેનારા, તલાક લેનારા અને જે લોકોનાં લગ્ન થયાં નથી તેવા લોકોને હાર્ટને લગતી બીમારીની શકયતા વધુ રહે છે. તેમ જ એમ પણ જાણવા મળ્યું છે કે જે લોકોનાં લગ્ન થઈ ગયાં છે તેવા લોકોને હાર્ટની બીમારી અને સ્ટ્રોકનો ખતરો ઓછો રહે છે. પણ કુંવારા લોકોમાં આવી બીમારીનો ખતરો વધુ રહે છે.

આ અંગે સઘન અભ્યાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે તલાક લેનારા પુરુષ અને મહિલાઓમાં હાર્ટની બીમારીને લગતું જોખમ ૩૫ ટકા વધુ રહે છે.