ભાજપ 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે પ્રચારમાં કોઈ કચાસ રાખવા નથી માંગતી. તમામ રાજ્યોમાં મતદારોને સાધવા માટે ટોચના નેતાઓ અલગ અલગ રાજ્યોમાં જઈને પક્ષનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હવે પશ્ચિમ બંગાળમાં એક રેલીનું આયોજન કરાયું છે. આજે તેઓ કોલકાતામાં રેલીને સંબોધિને કટ્ટર વિરોધી ટીએમસી પ્રમુખ અને કોલકાતાના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડવા પ્રયાસ કરશે. શનિવારે યોજાનાર આ રેલી પૂર્વે પ. બંગાળમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.

અમિત શાહની રેલી અગાઉ શુક્રવારે કોલકાતામાં મેયો રોડ પર ‘બંગાળ-વિરોધી ભાજપ પરત જાઓ’ના પોસ્ટર જોવા મળ્યા હતા. દરમિયાન ભાજપના કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે અને પ. બંગાળના મુખ્ય સચિવને પત્ર લખીને અમિત શાહની રેલીમાં આવનાર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. શનિવારે તૃણમૂલ કોંગ્રેસ પણ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરના વિરુદ્ધ રેલી યોજી રહ્યું છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે ટીએમસીએ તેમના કાર્યકરતો પર હુમલો કરવા પોતાની રેલીનું આયોજન કર્યું છે. એનઆરસીના વિરોધમાં ટીએમસી શનિવારે કોલકાતાને બાદ કરતા સમગ્ર રાજ્યમાં દેખાવો યોજશે.

રેલી પૂર્વે ભાજપના નેતાઓએ પણ મમતાને ઘેરવાનું શરૂ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ પૂનમ મહાજને કહ્યું કે, ‘2005માં દીદી કંઈ જુદુ બોલતા હતા, 2018માં એનઆરસી વિશે હવે કંઈક જુદો સૂર આલાપી રહ્યા છે. આ યુ ટર્નના વિરોધમાં યુવાનો માટે અમે રેલી યોજી રહ્યા છીએ.’

દરમિયાન બંગાળના આસનસોલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોએ પણ ટ્વીટ કરીને લેકોને રેલીમાં સામેલ થવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ‘મમતા સરકારની કૂટનિતિ તેમજ બંગાળના લોકો ઉપર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા અમિત શાહજી આજે મેયો રોડ, કોલકાતામાં સભાને સંબોધન કરશે. આશા છે કે બંગાળમાં રહેતા લોકો મોટા પ્રમાણમાં આ રેલીમાં સામેલ થાય અને બંગાળ ભાજપન સાથ આપે.’

કેટલાક અજાણ્યા લોકોએ નાયબસાત વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક બસ પર પથ્થરમારો કર્યો હતો. આ બસમાં શાહની રેલીમાં જઈ રહેલા કાર્યકરો સવાર હતા. જો કે ઘટાનામાં કોઈ ઘાયલ થયું નથી. ચંદ્રકોણામાં એફઆઈઆસ દાખલ કરવામાં આવી હતી અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.