પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી લડાઈ હવે રાજકીય લડાઈ બનતી જાય છે. અહીં એક જૂનિયર ડોક્ટર સાથે થયેલી મારઝૂડની ઘટના પછીથી મેડિકલ એસોસિયશનમાં ગુસ્સો છે અને ડોક્ટર્સ હડતાળ પર જતા રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ડોક્ટર્સને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો તેઓ કાર્ય પર પાછા નહીં ફરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે મમતાના અલ્ટીમેટમની ડોક્ટર્સ પર કોઈ અસર થઈ નથી. બંગાળમાં ડોક્ટર્સની હડતાળની અસર હવે દેશના અન્ય હિસ્સામાં પણ જોવા મળી રહી છે.

દિલ્હી મેડિકલ એસોસિયેશન (DMA) દ્વારા પણ હડતાળની જાહેરાત કરવામા આવી છે. જેની અસર AIIMS જેવી મોટી હોસ્પિટલો ઉપર પણ થઈ છે. તે સિવાય મુંબઈમાં પણ ડોક્ટર્સે કામ કરવાનો ઈનકાર કરી દીધો છે. મુંબઈના ડોક્ટર્સનું કહેવું છે કે, તેઓ સાઈલેન્ટ પ્રોટેસ્ટ કરશે. આ ઉપરાંત પંજાબ, કેરળ, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશમાં પણ ડોક્ટર્સે કામ કરવાનો ઈનકાર કરી દીધો છે.

બંગાળની ઘટના પછી ગુરુવારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)ના ડોક્ટર્સે પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યું અને 14 જૂને હડતાળ પર જવાની વાત કરી હતી. તે ઉપરાંત દિલ્હીમાં પણ ઘણાં ડોક્ટરર્સ એસોસિયેશન દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે.આ વિવાદ હવે એટલો વધી ગયો છે કે, કોર્ટ સુધી પહોંચી ગયો છે. હડતાળ વિશે કોલકત્તા હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જે વિશે આજે સુનાવણી પણ કરવામાં આવશે.