કચ્છની સામે પાર આવેલા પાકિસ્તાનના મિઠી શહેરમાં શનિવારે સવારે બે હિન્દુ વેપારી ભાઇઓની અજાણ્યા હુમલાખોરોએ લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા કરી હતી. આખા બનાવના પાકિસ્તાનમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. દિલીપ કુમાર  અને ચંદરકુમાર રાઠી  નામના આ બંને વેપારી ભાઇઓની મિઠીમાં અનાજની દુકાન છે. શનિવારે સવારે  તેઓ દુકાન ખોલતા હતાં ત્યારે બાઇક પર હેલ્મેટ પહેરેલા બે શખ્સો તેમની પાસે આવ્યા અને હાથમાં રહેલો થેલો કે જેમાં રોકડ હતી તે ઝુંટવવાનો પ્રયાસ કર્યો.  થેલો પડાવવાનો લુંટારૂઓએ પ્રયાસ કરતા તેમણે પ્રતિકાર કર્યો હતો. એટલે તેના પર ગોળીઓ દાગવામાં આવી હતી. આ જોઇને મોટો ભાઇ દિલીપ પણ દોડી આવ્યો હતો અને તેને સામે આવતો જોઇને લૂંટારૂઓએ તેના પર પણ ત્રણ ગોળી મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો ચંદરકુમારને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. આ બનાવને પગલે હિન્દુઓનું વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારમાં વેપારીઓએ પોતાની દુકાનો ફટોફટ બંધ કરી નાખી હતી. ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાએથી પાકિસ્તાનનું મિઠી શહેર માત્ર 60 કિમી જ દૂર છે. ત્યાં હિન્દુઓની વસતી નોંધપાત્ર છે. ગુજરાતના અમદાવાદ, પાલનપુર, મોરબી અને ગાંધીધામ જેવા શહેરમાં મિઠીથી સ્થળાંતર કરીને આવેલા અનેક લોકો વસી રહ્યા છે.