જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાથી પાકિસ્તાન અકળાઈ ગયું છે. ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડ્યા બાદ પાકિસ્તાને ગુરૂવારે બંને દેશો વચ્ચે દોડતી સમજૌતા એક્સપ્રેસને વાઘા બોર્ડર પર રોકી દઈને પોતાના ડ્રાઈવર અને ગાર્ડને પરત બોલાવી લઈને નફ્ફટાઈનું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે તેમણે દિલ્હી અને લાહોર વચ્ચેની બસ સેવા પણ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.
સમજૌતા એક્સપ્રેસ રેલવે સેવા રોકી દેવાયા બાદથી જ અટકળો શરૂ થઈ ગઈ હતી કે બંને દેશ વચ્ચેની આ બસ સેવાને પણ પાકિસ્તાન ટૂંક જ સમયમાં રોકી શકે છે. ગુરૂવારે સાંજે પાકિસ્તાન પર્યટન વિકાસ નિગમની જે બસ દિલ્હીથી લાહોર માટે રવાના થઈ તેમાં ફક્ત ચાર પ્રવાસીઓ જ પ્રવાસ કરી રહ્યા હતા. જ્યારે પાકિસ્તાનથી બસ દિલ્હી પહોંચી ત્યારે તેમાં ફક્ત ત્રણ પ્રવાસી જ પ્રવાસ કરતા જોવા મળ્યા હતા.
દિલ્હી લાહોર બસ સેવાની શરૂઆત 1999માં સ્વ. અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન થઈ હતી. 2001માં જ્યારે ભારતીય સંસદ પર હુમલો થયો હતો ત્યારે આ બસ સેવાને રોકી દેવામાં આવી હતી. ભારત તરફથી દિલ્હી પરિવહન નિગમની બસ લાહોર જાય છે. ભારત તરફથી આ બસ દર અઠવાડિયે સોમવાર, બુધવાર અને શુક્રવારે ચાલુ હોય છે. જ્યારે પાકિસ્તાન તરફથી દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે બસ દિલ્હી માટે રવાના થાય છે.