ભારતમાં શનિવારથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું પાકિસ્તાનમાં પ્રસારણ કરાશે નહીં તેમ પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ આ પ્રકારનો આદેશ આપતાં સ્થાનિક ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે પાકિસ્તાન આઈપીએલ T20 લીગનું પ્રસારણ કરવા મંજૂરી નહીં આપે.

‘પીએસએલ વખતે ભારતીય કંપનીઓ અને સરકારે પાકિસ્તાન ક્રિકેટ સાથે જે પ્રકારનું વર્તન કર્યું હતું… તે જોતાં અમે આઈપીએલને પાકિસ્તાનમાં દર્શાવી શકીએ નહીં,’ તેમ તેમણે જણાવ્યું હતું.

પુલવામા હુમલામાં 40 સીઆરપીએફ જવાનોની શહીદીને પગલે ભારતે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સુપર લીગ 2019નું પ્રસારણ અટકાવ્યું હતું. આ ઉપરાંત સુપર લીગનો પ્રસારણ સોદો કરનારી કંપની IMG-રિલાન્યસે પણ ટુર્નામેન્ટમાંથી પોતાની હિસ્સેદારી પાછી ખેંચી લીધી હતી.

ચૌધરીએ આ અંગે ટીકા કરતા જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટર્સે ઓસ્ટ્રેલિયા સામેની રાંચીમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં લશ્કરની કેપ પહેરી હતી. અમે ક્રિકેટ અને રાજકારણને અલગ રાખવા પ્રયાસ કર્યો પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ આર્મી કેપ સાથે મેચ રમી હતી. આ કૃત્ય બદલ તેમની સામે કોઈ પગલાં પણ લેવાયા ન હતા.

પાકિસ્તાનના મંત્રીના મતે આઈપીએલનું પ્રસારણ પાકિસ્તાનમાં નહીં કરાતા ભારતીય ક્રિકેટને નોંધપાત્ર ફટકો પડશે. શનિવારથી આઈપીએલની 12મી સિઝનનો પ્રારંભ થશે. ઓપનિંગ મુકાબલો ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે યોજાશે.