વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ફરી એક વાર પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, પુલવામા હુમલા બાદ તેમણે ઘણા બધા દેશોને સાવચેત કરી દીધા છે કે, ભારત-પાકિસ્તાન સાથેના સંબંધો બગાડવા નથી માગતું પરંતુ જો પાકિસ્તાન તરફથી એક પણ વખત હુમલો થશે તો ભારત ચૂપ નહીં બેસે. મોદી સરકારની વિદેશ નીતિ પર એક થિંક ટેંકને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનને ચિંતા છે કે, ભારત પરિસ્થિતિઓને વિપરિત કરવાના પ્રયત્નો કરશે.
ઈમરાન ખાન અને મસૂદ અઝહરનો ઉલ્લેખ કરતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ‘ઈમરાન ખાન બહું ઉદારતા દેખાડતા ફરી રહ્યા છે, તેઓ અવાર-નવાર કહેતા હોય છે કે તેઓ શાંતિ ઈચ્છે છે. તો મારે એટલું કહેવું છે કે, જો ઈમરાન ખાન ખરેખર બહું ઉદાર હોય અને બહું ઉદારતા બતાવવા માંગતા હોય તો મસૂદ અઝહર ભારતને સોંપી દે. જો તેઓ મસૂદ ભારતને સોંપી દે તો અમે પણ સ્વિકારી લઈએ કે ઈમરાન ખાન ખરેખર એક ઉદાર વ્યક્તિ છે.
કાર્યક્રમ દરમિયાન સુષ્મા સ્વરાજે કહ્યું કે, ‘જો તેઓ ખરેખર બહુ સારા વ્યક્તિ હોય, બહુ મોટા ઉદાર હોય અને ખરેખરમાં ભારત સાથે સારા સંબંધો બનાવવા માંગતા હોય તો અને ખરેખર શાંતિ ઈચ્છતા હોય તો મસૂદ અઝહરને ભારતના હવાલે શા માટે કરતા નથી.’
તેમણે ઉમેર્યું હતું કે ‘મને વિદેશ મંત્રીઓના ફોન કોલ્સ આવે છે, તેઓ સૌથી પેલા પુલવામા હુમલા પર દુ:ખ વ્યક્ત કરે છે બાદમાં તેઓ ધીરે રહીને કહે છે કે અમને નથી લાગતું. જેના જવાબમાં હું હંમેશા ના પાડું છું પણ સાથે સાથે એમ પણ કહું છું કે ભારત પરિસ્થિતિને નહીં બગાડે પરંતુ જો પાકિસ્તાન કોઈ અવળચંડાઈ કરશે તો ભારત ચૂપ પણ નહીં રહે.