પાકિસ્તાનની સૌથી મોટી રાજકીય પાર્ટીઓમાંથી એક મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સહસ્થાપક અલ્તાફ હુસૈનની મંગળવારે લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. એમક્યૂએમના નેતાની કથિત રાષ્ટ્ર વિરોધી ભાષણો બદલ ધરપકડ કરવામાં આવી છે.
હુસૈને વર્ષ 2016માં આપેલા એક ભાષણમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે અને સમગ્ર વિશ્વ માટે તે એક કેન્સર છે. એમક્યૂએમનો લગભગ ત્રણ દાયકા સુધી કરાંચીમાં દબદબો રહ્યો હતો અને પાર્ટીને ઉર્દૂભાષી વિસ્તારમાં ખાસ સમર્થન પ્રાપ્ત છે.
હુસૈનની ધરપકડ મંગળવારે સવારે કરવામાં આવી હતી અને તેમને દક્ષિણ લંડનના એક પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ 15 અધિકારીઓએ તેમના ઉત્તર લંડન સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. એક રિપોર્ટ મુજબ, 2016માં ધૃણા ફેલાવનારા ભાષણને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે.
આ ભાષણમાં તેમણે તેમના સમર્થકોને કાયદાને પોતાના હાથમાં લેવાની વાત કરી હતી.હુસૈનના ભાષણ બાદ પાર્ટી કાર્યકર્તાઓએ કરાચીમાં એક મીડિયા કાર્યાલયમાં તોડફોડ પણ કરી હતી અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમના પ્રવક્તા કાસિમ રઝાએ હુસૈનની ધરપકડ થયાની પુષ્ટિ કરી છે.