સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં તાલુકાઓને પાક વીમો મળ્યો નથી. જેથી આજે કિસાન સંઘ દ્વારા રેલી કરવામાં આવી રહી છે. રેલીને મંજૂરી ન મળી હોવા છતાં રેલી યોજાતા પોલીસે 35થી વધુ ખેડૂતોની અટકાયત કરી છે અને ખેડૂતોને ટીંગાટોળી કરીને પોલીસ વેનમાં લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યારે 36 જેટલા ખેડૂતોએ રાષ્ટ્રપતિને અરજી કરી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રભરમાંથી આવેલા ખેડૂતો આ રેલીમાં જોડાયા છે. આ રેલીનાં પગલે 3 પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કલેક્ટર કચેરી પર 8ની અટકાયત:આવેદન આપવા માટે 8 લોકોએ બળજબરી કરતાં પોલીસે તેમની અટકાયત કરી છે. માત્ર 5 ખેડૂતને જ આવેદન આપવા માટેની મંજૂરી આપી છતાં આગેવાનોએ 8 લોકોને અંદર જવા દેવા માટે જીદ પકડી હતી. જેને લઈને વાતાવરણ ઉગ્ર બન્યું હતું. થોડા દિવસ પહેલા પડધરીમાં પાક વીમાને લઈને ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. પાક વીમા આપવામાં વીમા કંપનીઓ અને સરકાર મિલીભગત કરી રહ્યાં છે. પડધરી અને માળિયા મિયાણામાં વીમા કંપનીઓ એ ક્રોપ કટિંગ સમયે જ મોટા પ્રમાણમાં ગોટાળા કર્યા છે. જો કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના તાલુકાઓમાં ક્રોપ કટિંગમાં ગોટાળા થઈ રહ્યાં છે.