બ્રિટિશ ચેરિટી પાથ ટુ સક્સેસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે એવી ઘોષણા કરી હતી કે, સંસ્થા વિકલાંગ બ્રિટિશ યુવતીઓના એક  ગ્રુપને તેમના પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાના સ્વપ્નની સિદ્ધિ માટે  સહયોગ આપશે. આ ચેરિટી ચાર વિકલાંગ મહિલા સ્પર્ધકોને પેરે-એક્વેસ્ટિરીયન ડ્રેસેજ (ઘોડેસવારી સંબંધિત સ્પર્ધા), પેરે પાવર લિફટિંગ, વ્હીલચેર બાસ્કેટબોલ તથા વ્હીલચેર ટેનિસ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સ્પોન્સર કરશે. પાથ ટુ ટોક્યો પહેલ હેઠળ જે મહિલાઓ પારાલિમ્પિક્સમાં ભાગ લેવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવા ઈચ્છતી હોય પણ તે માટે આર્થિક સપોર્ટની જરૂર હોય તેમને ચેરિટી સહયોગ આપશે.
લુઈ સડજેન, સોફી પેટરસન નામની બે મહિલા સ્પર્ધકોની લાભાર્થીઓ તરીકે પસંદગી થઈ ચૂકી છે. તેમને કોચીંગ, ટ્રેઈનિંગ, પ્રવાસ ખર્ચ તથા સ્પેશિયલાઈઝડ સ્પોર્ટ્સ વ્હીલચેર્સના ખર્ચ માટે નાણાંકિય સહાય અપાશે. પાથ ટુ સક્સેસ ચેરિટીના ફાઉન્ડર ભારત વંશીય અનીતા ચૌધરીએ કહ્યું હતું કે તેમની સંસ્થા કેટલાય વર્ષોથી આ ક્ષેત્રે સક્રિય છે. આ વિકલાંગ યુવતીઓ, મહિલાઓના કૌશલ્ય, દ્રઢનિર્ધાર તેમજ પોઝિટીવ એટિટ્યુડથી તેઓ હંમેશા પ્રભાવિત રહ્યા છે. ચેરિટીની સ્થાપના 2005માં કરવામાં આવી હતી.