હાર્દિક પટેલે બુધવારના રોજ લખનઉમાં એક રેલી દરમિયાન મહત્વની જાહેરાત કરી છે. હાર્દિક પટેલે રેલીને સંબોધતા કહ્યું કે, તે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાનો છે. હાર્દિકે કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડવા માટે મારી ઉંમર ઓછી પડી હતી. પરંતુ હવે હું ૨૫ વર્ષનો થઈ ચૂક્યો છું જેથી લોકસભાની આવનારી ચૂંટણી હું જરૂરથી લડીશ.
જો કે, હજી સુધી હાર્દિક પટેલે તે ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની આ જાહેરાતથી રાજકારણ વધુ ગરમાયું છે. નોંધનીય છે કે હાર્દિકે ચૂંટણી લડવાની જાહેરાત પોતે જ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ હાર્દિક પટેલે કહ્યું હતું કે હું ફક્ત મારા સમાજ માટે લડી રહ્યો છું.
હાર્દિકે કહ્યું કે, ‘સમગ્ર દેશમાં ભારતીય બંધારણને બચાવવા માટે ઝુંબેશ ચાલી રહી છે. દેશને બચાવવા માટે ભાજપને હટાવવાની માંગ ચાલી રહી છે. તેથી હું ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી જરૂરથી લડીશ. હાર્દિક પટેલ હંમેશાથી કહેતો આવ્યો છે કે, હું ક્યારેય ચૂંટણી નહીં લડું. પહેલા નંબર પર આ‌વાની મને કોઈ પ્રકારની ઘેલછા નથી. હું ફક્ત મારા સમાજ માટે લડી રહ્યો છું. થોડા સમય પહેલા એક જનસભાને સંબોધતા તેણે કહ્યું હતું કે, વાત ભાજપ કે કોંગ્રેસની નથી પણ વાત મારા ગુજરાતના છ કરોડ લોકોની જનતાની છે.
અગાઉ પણ કોંગ્રેસે કહ્યું છે કે તે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના સપોર્ટમાં છે. તેમજ જો હાર્દિક પટેલને ચૂંટણી લડવાની ઈચ્છા હશે તો અમે જરૂરથી તેને અમારી પાર્ટીમાં સ્થાન આપીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ અમરેલીમાંથી લોકસભા ચૂંટણી લડી શકે છે.ઓક્ટોબર ૨૦૧૭માં ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, જ્યારે પણ હાર્દિક પટેલ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવશે તો કોંગ્રેસ પાર્ટી તેને જરૂર ટિકિટ આપશે. નોંધનીય છે કે, ૨૭ જાન્યુઆરીના રોજ હાર્દિક પટેલે કિંજલ પરીખ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.