કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું તેમજ બહુમતિ પુરવાર કરવા 15 દિવસનો સમય આપ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ એવો આક્ષેપ કર્યો હતો કે વડપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અમિત શાહના ઇશારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બંધારણનું અને તેની પ્રણાલિઓનું એન્કાઉન્ટર કર્યું છે. સુરજેવાલાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાના હાથે બંધારણ અને બંધારણીય પ્રણાલિઓનું એન્કાઉન્ટર કરાવડાવ્યું છે. કારણ કે જેમની પાસે બહુમતી નથી તેમને કર્ણાટકમાં સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય રાજ્યોમાં જે પક્ષોના જોડાણ પાસે બહુમત છે તેમને આમંત્રણ અપાયું હતું. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપના કાર્યકરની ભૂમિકા નિભાવતાં ભાજપના યેદુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. આમ કરીને તેમણે બંધારણ અને તેની પ્રણાલિઓની નિષ્પક્ષતાને કચરા ટોપલીમાં નાખી દીધા છે, જેને કર્ણાટકની જનતા અને દેશની જનતા સ્વીકારશે નહીં. સુરજેવાલાએ એમ પણ કહ્યું હતું કે ‘અમે અમિત શાહજીને પૂછવા માંગીએ છીએ કે જો બે પક્ષો ચૂંટણી પછી ગઠબંધન નથી કરી શકતી તો તમે મણિપુર અને ગોવામાં કેવી રીતે સરકાર બનાવી? રાજ્યપાલે તેમના પદને ક્ષોભમાં મુક્યું છે.’ સુરજેવાલાએ જણાવ્યું કે તે કાયાદકીય અને બંધારણીય અધિકારોનો ઉપયોગ કરશે અને પ્રજાની કોર્ટમાં જશે.  જેડી-એસ અને કોંગ્રેસના વકીલ જાવેદે જણાવ્યું કે, ‘ભાજપ પાસે 104 બેઠકો છે, જો તેમને અપક્ષનો સાથ મળશે તો પણ તેવો કેવી રીતે બહુમત પુરવાર કરશે?’ આ માટે એક જ રસ્તો છે કે જેડી-એસ અને કોંગ્રેસના ધારાસભ્યો તેમની સાથે જોડાય. આ માટે તેઓ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી શકે છે. અમે અરજી દાખલ કરીને સરકાર રચવાની તક આપવાની માગણી કરી છે. જેડી-એસના એચડી કુમારાસ્વામીએ જણાવ્યું કે બહુમત પુરવાર કરવા માટે 15 દિવસનો સમય આપીને રાજ્યપાલે ભાજપને હોર્સ ટ્રેડિંગ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે આ મુદ્દે આગળની રણનીતિ તૈયાર કરીશું.કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા ગુરુવારે સીએમ પદના શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલે યેદિયુરપ્પાને બહુમત પુરવાર કરવા 15 દિવસનો સમય આપ્યો છે. બુધવારે મોડી સાંજ સુધી કર્ણાટક ભાજપ દ્વારા એક ટ્વીટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી હતી.