ભાજપ અને કોંગ્રેસ પક્ષના દિગ્ગજો લોકસભા-2019ની તૈયારીઓ અને પ્રચારના પ્રારંભ માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત: આગામી તા.૨૦-૨૧ જુલાઇ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવનાર છે. આ પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તા.૧૬ અને ૧૭ જુલાઇએ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.
ગાંધી આ બે દિવસના પ્રવાસમાં મોટાભાગે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરી સંગઠનના નેતાઓ, જનપ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે. દેશના શાસક પક્ષના મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતમાં ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ છેલ્લા બે દશકમાં સૌથી સારો રહેતાં હવે લોકસભાની અહીંની ૨૬ બેઠકો ભાજપ પાસેથી આંચકી લેવાની રણનીતિ ઘડવા માટે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે.
ભાજપે કોંગ્રેસની તૈયારીઓ શરૂ થાય એ પહેલાં જ પ્રથમ ચરણમાં કોળી આગેવાન અને સિનિયર નેતા કુંવરજી બાવળીયાને ભાજપમાં સામેલ કરી કોંગ્રેસને મોટો ધક્કો માર્યો છે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિતેલા સપ્તાહમાં ભાજપના મહત્વના નેતાઓની ચિંતન શિબિરમાં ૨૦૧૯ની ચૂંટણી માટેના રોડમેપ રજૂ કર્યો હતો. હવે ૧૩ અને ૧૪ જુલાઇ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે.
ગુજરાતમાં લોકસભા ૨૦૧૯ની તૈયારીઓ માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે તૈયાર કરેલા રોડમેપના આધારે સંગઠન અને સરકારે વિવિધ સ્તરના કાર્યક્રમો તૈયાર કરી તેનો અમલ શરૂ કર્યો છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રોડમેપના આધારે કામે લાગેલા સંગઠનને બળ આપવા તેમજ ગુજરાતની જનતાને સંબોધન થકી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કરવા માટે તા.૨૦ અને ૨૧ જુલાઇ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. .