અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં રશિયાનો હસ્તક્ષેપ ન હોવાના પોતાના નિવેદનથી પલટી માર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ફરીવાર રશિયાના પ્રમુખ વ્હાદિમીન પુતિનનું નામ લીધું છે. તેઓ આ મામલે પુતિનને વ્યક્તિગતરીતે જવાબદાર માને છે. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે ‘પુતિન ગુનેગાર છે. હું તેમને એ માટે કહીશ કે તેઓ દેશના નેતા છે. એવી જ રીતે જેમ કે આ દેશ (અમેરિકા)માં કોઇપણ વાત માટે હું જવાબદાર છું.’ હવે અમેરિકી સાંસદ કોર્ટમાં જવાની તૈયારીમાં છે. તેઓ અદાલતમાં માગણી કરશે કે ટ્રમ્પના પ્રવાસમાં તેમની સાથે ગયેલી અમેરિકી ટ્રાંસલેટરે જે નોટ્સ તૈયાર કર્યા હતા, તેને જારી કરવામાં આવે. આનાથી સ્પષ્ટ થશે કે ટ્રાંસલેટરે ભૂલ કરી હતી અથવા ટ્રમ્પે પોતાના મરજીથી નિવેદન આપ્યું હતું.

અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને પણ આગામી અઠવાડિયે સેનેટ સામે હાજર થઇને ટ્રમ્પ-પુતિન શિખરની વાર્તાની વિગત આપવી પડશે. ટ્રમ્પ પર દબાણ એટલા માટે વધી રહ્યું છે કેમ કે અમેરિકી તપાસ સંસ્થાએ તાજેતરમાં જ કોર્ટને કહ્યું કે રશિયાના ૧૨ ગુપ્તચર અધિકારીઓએ અમેરિકાની ચૂંટણીમાં દરમિયાનગીરી કરી હતી. ટ્રમ્પે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે ‘મેં પુતિન સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ‘નહી થશે’ને બદલે ‘થશે’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ખરું વાક્ય કંઇક એવું થવું જોઇતું હતું કે હું એવું કોઇ કારણ નથી જોતો કે આમાં રશિયાનો હાથ કેમ ન હોય?’ દ્વિપક્ષીય વાર્તા બાદ પુતિને કહ્યું હતું કે ‘હું ઇચ્છતો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બની જાય, પરંતુ રશિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્યારેય દખલગીરી કરી નહતી.’ટ્રમ્પે પુતિનનું આ નિવેદન સ્વીકારી લીધું હતું અને તેના કારણે અમેરિકામાં તેમની ખાસ્સી ટીકા થઇ હતી. સાંસદોએ તેને રાષ્ટ્રદ્રોહ જેવું નિવેદન માની લીધું હતું.