પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર આજે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અરૂણ જેટલીની હાજરીમાં ભાજપમાં સામેલ થયો છે. છેલ્લાં કેટલાંક દિવસથી અટકળો ચાલી રહી છે કે ભાજપમાં સામેલ થઈને ગંભીર ચૂંટણી લડી શકે છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, “અમારી જૂની નીતિ રહી છે કે જે લોકો જનતાનું ધ્યાન ખેંચે છે તેઓને અમારી સાથ જોડી દઈએ છીએ. ગંભીર ક્રિકેટ જગતમાં જાણીતું નામ છે. તેઓ દિલ્હીમાં જ મોટા થયા છે. વર્ષો સુધી દિલ્હી અને દેશ માટે યોગદાન આપ્યું છે. એક ક્રિકેટર (નવજોતસિંહ સિદ્ધૂ) પાકિસ્તાન સાથે સહાનુભૂતિ રાખવા લાગ્યાં. મને લાગે છે કે ગંભીર આવું કંઈજ નહીં કરે.”
ગંભીરે કહ્યું, “હું વડાપ્રધાનથી પ્રભાવિત થઈને ભાજપમાં આવ્યો છું. જે રીતે મેં ક્રિકેટમાં દેશનું નામ રોશન કર્યું, તેવી જ રીતે ભાજપમાં પણ મારૂ યોગદાન આપીશ. આ દેશ માટે કંઈક કરવા માટેનું મોટું મંચ છે.” ભાજપે લોકસભા ચૂંટણી માટેની બીજી યાદી જાહેર કરી છે. જેમાં માત્ર એક જ નામ સામેલ કરવામાં આવ્યું છે. પાર્ટીએ દીવ એન્ડ દમણથી લાલુભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. આ સીટ પર ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. તો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળવાની છે, જેમાં બાકીના નામો અંગે નિર્ણય થશે. આશા છે કે ભાજપની વધુ એક યાદી આજે જાહેર થઈ શકે છે.