પૂ. પ્રમુખસ્વામીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ બાપાનું સ્મરણ કરી હરિભક્તો ભાવવિહ્વળ બન્યા

0
1639
વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ વિશ્વભરનાં લગભગ 150થી વધુ દેશમાં સ્થિત મંદિર, કેન્દ્રો ખાતે રવિવારે, 13 ઓગસ્ટે પ્રમુખસ્વામી સ્મૃતિદિનની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત ગુજરાતમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં સમાધિસ્થાન, BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુર તથા BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે પણ વિશાળ ‘સ્મૃતિસભા’નું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં હ્યુસ્ટન ખાતે ‘સ્મૃતિ સભા’ સંપન્ન થઈ હતી.
શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ખાતે કોઠારી સ્વામીની નિશ્રામાં સ્મૃતિ સભા યોજાઈ હતી. જેમાં 10 હજારથી વધુ હરિભક્તો હાજર હતા. જ્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અંતિમ સમયનો વીડિયો પ્રદર્શિત કરાયો ત્યારે સેંકડો હરિભક્તોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. આ પ્રસંગે સાધુ વિવેકજીવનદાસજીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં સંસ્મરણો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વર્ષ-2002માં એક છાત્રાલયનો દશાબ્દી દિન હતો અને તેમાં બાળકોએ કવ્વાલી રજૂ કરી હતી, જેના શબ્દો હતા કે ‘સૂરજ પૂછે છે કે પ્રમુખસ્વામી મહારાજ કોણ છે?’ આ કવ્વાલી પૂર્ણ થયા બાદ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે ‘પ્રમુખસ્વામી સાધુ છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને યોગીજી મહારાજના શિષ્ય છે.’ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે જવાબમાં એવું નથી કહ્યું કે હું આ સંસ્થાનો પ્રમુખ છું કે અન્ય ઓળખ નથી આપી. આ છે, દાસત્વભાવ, સરળતા, સહજતા, વિનમ્રતા અને અખંડ ગુરુભક્તિ. તેઓ હંમેશા પોતાના ગુરુને જ આગળ રાખે. કેનેડાની પાર્લામેન્ટમાં જ્યારે તેઓનું સન્માન થયું અને નામ બોલાયું ત્યારે ઠાકોરજીને સાથે રાખીને બેઠેલા સેવકને ઊભા કર્યા હતા. પ્લેનમાં ચડવાનું હોય કે ઉતરવાનું હોય હંમેશા ઠાકોરજીને જ આગળ રાખતા હતા. એ જ રીતે યોગીજી મહારાજ વિદ્યમાન હતા ત્યારે તેઓ સંસ્થાના પ્રમુખ હતા છતાં યોગીજી મહારાજના સાનિધ્યમાં રહીને કાર્ય કરતા હતા. જ્યારે BAPSના સ્વયંસેવક જયેશભાઈ માંડણકાએ પોતાના સંસ્મરણો રજૂ કર્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે અનેક યુવકો-હરિભક્તોએ જપ-તપ,  અનુષ્ઠાનનાં પણ સંકલ્પ લીધા છે.

LEAVE A REPLY

eighteen − twelve =