પૂ. મહંતસ્વામીના હસ્તે ભગવાન સ્વામિનારાયણનાં ચિત્રસંપુટનું વિમોચન

0
1653

ભગવાન સ્વામિનારાયણના જીવન અને તેમના સંદેશ પર બનેલા ચિત્રોની સિરીઝના પુસ્તક ‘ભગવાન શ્રી સ્વામિનારાયણ: અ સાગા ઇન પેઇન્ટિંગ્સ’નું પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે લોકાર્પણ કરાયું છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બનેલાં આ પુસ્તકમાં ૪૯ વર્ષ દરમિયાન ભગવાન સ્વામિનારાયણે ભારતભૂમિ પર કરેલા વિચરણનાં ૪૯ રિઆલિસ્ટીક બાયોગ્રાફીકલ કેન્વાસિસ રજૂ કરાયા છે. આ ચિત્રો મુંબઇના ખૂબ જ જાણીતા ચિત્રકાર વાસુદેવ કામથે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી તૈયાર કર્યા છે. ઓઇલ ઓન કેન્વાસ માધ્યમમાં બનેલા આ ચિત્રો તૈયાર કરતાં તેમને ૧૫ વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ ચિત્રોને આ પુસ્તકમાં વિશેષ માહિતી સાથે પ્રકાશિત કરાયા છે. તેમાં ભગવાન સ્વામીનારાયણના દિવ્ય જીવનનાં ખૂબ જ અગત્ત્યના પડાવો અને વિચારો દર્શાવાયા છે. આ માહિતી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં આપવામાં આવી છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ શ્રી મહંત સ્વામીની પાવન નિશ્રામાં આ પુસ્તકનું લોકાર્પણ થયું હતું. આર્ટિસ્ટ વાસુદેવ કામથ, સંસ્કાર ભારતીના સ્થાપક અને આર્ટિસ્ટ બાબા યોગેન્દ્રનાથજી, આર્ટિસ્ટ અને ઓથર રવિ પરાંજપે, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, નવી દિલ્હીના મેમ્બર સેક્રેટરી ડો. સચ્ચિદાનંદ જોશી, નેશનલ આર્ટ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલ અદ્વૈત ગડનાયક, લલિતકલા અકાદમી, નવી દિલ્હીના એડમિનિસ્ટ્રેટર સી. એસ. ક્રિશ્ના શેટ્ટી, એનઆઇડીના ડાયરેક્ટર પ્રદ્યુમ્ન વ્યાસ, જૈન અગ્રણી સંવેગ લાલભાઇ તથા કવિઓ ભાગ્યેશ જ્હા અને માધવ રામાનુજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બીએપીએસ સંસ્થાના અનુયાયીઓ અને ગુજરાતના જાણીતા આર્ટિસ્ટ્સ સહિત હજારો લોકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સર્વે મહાનુભાવો તેમજ વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ પૂજ્ય મહંતસ્વામી મહારાજ પાસેથી આ ગ્રંથ પ્રાપ્ત કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા.

ઇશ્વરચરણસ્વામી મહારાજે આ પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી આ કાર્ય સંપન્ન થયું છે. ભગવાને આપણને બધાને નિમિત્ત બનાવીને આ શુભ કાર્ય સંપન્ન કરાવ્યું છે. વાસુદેવભાઇએ એક એક પ્રસંગને ખૂબ જ સારી રીતે સમજીને વાતાવરણ અને પાત્રની વિશેષતાને ખૂબ જ સારી રીતે દર્શાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય હેતુ આ ચિત્રોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. તેમનું હજી વધારે કામ સંસ્થાને મળતું રહે તેવી શુભકામના આપું છું.’

આ પ્રસંગે ચિત્રકાર વાસુદેવ કામથે જણાવ્યું હતું કે, ‘ભગવદ્ પ્રેરણાથી જ હું આ કાર્ય કરી શક્યો છું. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવનનું આલેખન થયું છે તેવી આ ચિત્રાવલી આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. મને એવું લાગે છે કે, આ સમગ્ર કાર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે મારા દ્વારા કર્યું છે. આ પ્રસંગે હું તેમનો આભારી અને ઋણી છું.’ આર્ટિસ્ટ અને ઓથર રવિ પરાંજપેએ જણાવ્યું હતું કે, ‘આ પ્રકાશન આઇકોનિક પ્રકાશન છે. આદર્શ ચિત્રમાં વાસ્તવિકતા અને અમૂર્ત ભાવ બન્નેને અલગ નથી કરી શકાતા.

એકવીસમાં સદીમાં આ બન્ને ખૂબ જ સારી રીતે જોઇ કોઇ આર્ટિસ્ટના કામમાં આવ્યા હોય તો તેમનું નામ વાસુદેવ કામથ છે. આનાથી યંગ આર્ટિસ્ટ્સને પણ પ્રેરણા મળશે.’

નેશનલ આર્ટ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલ અદ્વૈત ગડનાયકે આ પ્રસંગે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘સમાજમાં જે કલાની જરૂર હતી એ કામથજીએ પૂર્ણ કરી છે. કલાના આ પ્રદાન દ્વારા સમાજ હંમેશા તેમનો આભારી રહેશે.’

ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, નવી દિલ્હીના મેમ્બર સેક્રેટરી અને કલાકાર ડો. સચ્ચિદાનંદ જોશીએ જણાવ્યું હતું કે, ‘આ ચિત્રોનું રેખાંકન કરવું એક કસોટી હતી. પરંતુ કામથજી સુંદર રીતે આ કસોટીમાંથી પાર ઉતર્યા છે. આ ચિત્રોમાં ભગવાનની સાથે જે ભક્ત, સંત સમુદાય છે તેમના મુખ ઉપર પણ જે વિસ્મય જોવા મળે છે, તે અદ્વિતીય છે.’

 

LEAVE A REPLY

ten − 7 =