ફ્રાન્સના પાટનગર પેરિસમાં આવેલા નોટ્ર દામ કેથેડ્રલમાં સોમવારે, 15 એપ્રિલે મોડી રાતે આગ લાગી ગઈ હતી. તેના કારણે કેથેડ્રલનો શિખરનો ભાગ આખો સળગી ગયો હતો. જોકે 850 વર્ષ જૂની આ ઈમારતનો મૂળ હિસ્સો બચી ગયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગ ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. કેથેડ્રલના બે બેલ ટાવર પણ સુરક્ષીત છે. જોકે ઈમારતની અંદર આર્ટ વર્કને કેટલું નુકસાન થયું છે તે વિશેની કોઈ માહિતી મળી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેથેડ્રલના પથ્થરોમાં ક્રેક આવી હોવાના કારણે તેનું રીનોવેશન કરવામાં આવશે. પેરિસ પ્રોસિક્યૂટર ઓફિસે આ મામલે તપાસ પંચની નિમણૂક કરી દીધી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રોએ તેમની તમામ બેઠકો રદ કરી દીધી છે. તેમણે ફ્રાન્સના ઈતિહાસમાં મહત્વની ગણાતી આ જગ્યાએ આગ લાગવાની ઘટનાને દુખદ ગણાવી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, ફાયર ફાઈટર્સે કેથેડ્રલની હાલત વધારે ખરાબ થતા બચાવી લીધી છે. મેક્રોંએ કેથેડ્રલના પુન:નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફંડ ભેગુ કરવાનો વાયદો કર્યો છે.
નોટ્ર દામનું નિર્માણ ઈ.સ. 1160માં શરૂ થયું હતું જે ઈ.સ. વર્ષ 1260 સુધી ચાલ્યું હતું. ફ્રેન્ચ ગોથિક આર્કિટેક્ટનો આ ઉત્તમ નમુનો 69 મીટર ઉંચો છે. તેના શિખર સુધી પહોંચવા માટે 387 સીડી ચડવી પડે છે. અહીં નેપોલિયન બોનાપાર્ટનો રાજ્યભિષેક કરવામાં આવ્યો હતો. દર વર્ષે તે જોવા 1.2 કરોડ લોકો આવે છે.

કેથેડ્રલના રેસ્ટોરેશન માટે 600 મિલિયન યુરોના પાંચ માતબર ડોનેશનની જાહેરાત

નોટ્રા ડેમ કેથેડ્રલની પુનઃ સ્થાપના (રેસ્ટોરેશન) માટે ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ સોમવારે રાત્રે કેથેડ્રલની બહાર ઉભા રહીને દેશવ્યાપી ફંડ રેઈઝિંગ કેમ્પેઈન (દાન એકત્ર કરવાનું અભિયાન) શરૂ કરવાની વાત લાગણીશીલ બનીને કરી હતી તેના ગણતરીના કલાકોમાં જ 600 મિલિયન યુરોનું ડોનેશન તો પાંચ હસ્તીઓએ જ જાહેર કર્યું હતું. એમાં સૌપ્રથમ જાહેરાત ફ્રાન્સના બિઝનેસમેન અને જાણીતી હોલિવુડ અભિનેત્રી સલ્મા હાયેકના પતિ ફ્રાન્સવા-હેન્રી પિનોલ્ટે કરી હતી, તેમણે 100 મિલિયન યુરોનું ડોનેશન આપવાની જાહેરાત કરી હતી. એ પછી, ફ્રાન્સના સૌથી મોટા ધનકુબેર – બિઝનેસમેન અને એલવીએમએચ લક્ઝરી ગુડ્ઝના નિર્માતા ગ્રુપના માલિક બર્નાર્ડ આર્નોલ્ટે પિનોલ્ટ કરતાં ડબલ રકમનું – 200 મિલિયન યુરોનું ડોનેશન કેથેડ્રલના રેસ્ટોરેશન માટે જાહેર કર્યું હતું. આર્નોલ્ટે તો એવું પણ કહ્યું હતું કે આ ડોનેશન ઉપરાંત કંપનીની વિવિધ ક્ષેત્રોની એક્સપર્ટ્સની ટીમો – ક્રીએટીવ, આર્કિટેક્ચરલ, ફાયનાન્સિયલ પણ આ રેસ્ટોરેશનની કામગીરી માટે ઉપલબ્ધ કરાવાશે.
ત્રીજું ડોનેશન ફ્રાન્સની જાણીતી આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયન કંપની, ‘ટોટલ’ દ્વારા કરવામાં આવી હતી. કંપનીના સીઈઓ પેટ્રિક પૌયેને પણ 100 મિલિયન યુરો આપવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત, કોસ્મેટિક્સ અને લક્ઝરી ગુડ્ઝના એક અન્ય ઉત્પાદક ગ્રુપ, લોરીઆલ અને બેટેનકોર્ટ મેયર્સ પરિવાર તથા બેટેનકોર્ટ શૂલર ફાઉન્ડેશને પણ દરેકે 100 મિલિયન યુરોના ડોનેશનની જાહેરાત કરી હતી.
તમામ ડોનર્સે કહ્યું હતું કે ફ્રાન્સની રાષ્ટ્રીય ઓળખ, રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને દેશનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો – કેથેડ્રલ માટે તેઓ દેશની અને સરકારની પડખે અડીખમ ઉભા છે. નિષ્ણાતોના મતે આ કેથેડ્રલના રેસ્ટોરેશનની કામગીરી કેટલાય વર્ષો નહીં પણ કેટલાય દાયકાઓ સુધી ચાલી શકે છે, પણ એમાં કોઈ કચાશ નહીં રખાય, શ્રેષ્ઠ લોકો અને ઉત્કૃષ્ટ મટિરિયલનો તેમાં ઉપયોગ કરાશે.
1991માં આ કેથેડ્રલને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ હતી અને યુનેસ્કોએ પણ કહ્યું છે કે તે રેસ્ટોરેશનના વિરાટ કાર્યમાં ફ્રાન્સની પડખે ઉભું રહેશે. દર વર્ષે 13 મિલિયનથી વધુ લોકો આ ઐતિહાસિક ધર્મસ્થાનની મુલાકાત લે છે. દરમિયાન, ફાયર ફાઈટર્સે મંગળવારે સવારે જણાવ્યું હતું કે, આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે, જો કે આગ લાગવાનું કારણ શું છે તે હજી જાણી શકાયું નથી. ત્યાં કેટલુંક રેસ્ટોરેશન કામ તો ચાલતું જ હતું અને ફાયર સર્વિસના મતે આગ લાગવાનું એ પણ એક સંભવિત કારણ હોઈ શકે. જો કે, આગ લાગવાની આ ઘટનામાં ભાંગફોડની કોઈ શક્યતા હાલમાં તો જણાતી નહીં હોવાનું પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું.