ગુરૂવારે (23 મે) બ્રિટનમાં યોજાયેલી યુરોપિયન યુનિયન માટેના સંસદ સભ્યોની ચૂંટણીમાં અન્ય યુરોપિયન દેશોમાં તથા વિદેશમાં વસતા બ્રિટિશ નાગરિકો તથા બ્રિટનમાં વસતા યુરોપિયન નાગરિકોએ ભારે વિલંબ અને અવ્યવસ્થાના કારણે પોતાના વોટનો ઉપયોગ તેઓ નહીં કરી શક્યા હોવાની વ્યાપક ફરિયાદો ટ્વીટર ઉપર રજૂ કરી હતી, તંત્રની બેદરકારી અંગે આક્રોશ પણ ઠાલવ્યો હતો.

વિદેશમાં વસતા બ્રિટિશ નાગરિકોને તેમની સ્થાનિક કાઉન્સિલ્સે સમયસર પોસ્ટથી તેમના બેલેટ્સ નહીં મોકલતાં તેઓ પોતાનો મત આપી તે બેલેટ સમયસર પાછા પોતાના મતવિસ્તારમાં મોકલી શક્યા નહોતા. તો બ્રિટનમાં વસતા અન્ય યુરોપિયન દેશોના નાગરિકો પોતાના રહેણાંકના વિસ્તારોમાં મત આપવા ગયા ત્યારે સ્થાનિક તંત્રએ તેમને અગાઉથી યોગ્ય પેપરવર્ક નહીં થયાનું જણાવી વોટ આપવા દીધા નહોતા અને પાછા કાઢ્યા હતા. પોતાના મતાધિકારથી વંચિત રહેલા આવા લોકોએ ટ્વીટર ઉપર ‘ડીનાઈડમાયવોટ’ હેશટેગ હેઠળ પોતાની ફરિયાદો રજૂ કરી આક્રોશ ઠાલવ્યો હતો.

કેટલાક કિસ્સાઓમાં કાઉન્સિલ્સે રોયલ મેઈલના બદલે પોસ્ટલ ડીલીવરી ફર્મ એડેર એસઈસીની સેવાઓ લેવાયાના કારણે વિલંબ થયો હતો, તો મુખ્યત્વે તો વિલંબનું કારણ આ ચૂંટણી યોજવાનો નિર્ણય છેક માર્ચ મહિનાના અંતે, બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ નહીં પડી શકતાં લેવાયો હતો, તેના કારણે મોડું થયું હતું.

યુકેના સરકારી તંત્રના રેકોર્ડ્સ મુજબ ઓવરસીઝ ઈલેકટોરલ રજીસ્ટરમાં 285,000 યુકેના નાગરિકો હાલમાં વિદેશમાં સ્થાયી થયેલા છે, જ્યારે લગભગ 300,0000 (ત્રણ મિલિયન – ત્રીસ લાખ) જેટલા વિવિધ ઈયુ દેશોના નાગરિકો યુકેમાં સ્થાયી થયેલા છે.

ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, સાયપ્રસ, ડેન્માર્ક, ફ્રાન્સ, હોંગ કોંગ, ઈઝરાયેલ, ઈટાલી, પોલેન્ડ, સ્પેઈન, સ્વીડન, સ્વીત્ઝરલેન્ડ, થાઈલેન્ડ, યુક્રેઈન તથા અમેરિકામાં સ્થાયી થયેલા બ્રિટિશ નાગરિકોએ ફરિયાદ કરી છે કે તેમના પોસ્ટલ બેલેટ્સ તેમને ખૂબજ મોડા મળ્યા હતા અથવા તો હજી પણ મળ્યા જ નથી.