ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 80 રને કારમો પરાજય આપીને ત્રણ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. કીવીએ આપેલા 220 રનના લક્ષ્યના જવાબમાં ભારતીય ટીમ 139 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ધોનીએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉદીએ ત્રણ, તથા ફર્ગ્યુસન, સેન્ટનર અને સોઢીએ બે-બે વિકેટ ઝડપી હતી. 220 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે ત્રીજી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા (1)ની વિકેટ ગુમાવી દીધી હતી. ટિમ સાઉદીને આ સફળતા મળી હતી. ત્યારબાદ શિખર ધવન અને વિજય શંકરે બીજી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી.
ટીમનો સ્કોર 51 રન હતો ત્યારે ધવન (29)ને ફર્ગ્યુસને બોલ્ડ કર્યો હતો. તેણે 18 બોલમાં 2 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. ઈનિંગની નવમી ઓવરમાં સેન્ટનરે ભારતને બે ઝટકા આપીને બેકફૂટ પર ધકેલી દીધું હતું. તેણે રિષભ પંત (4)ને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ વિજય શંકર (27)ને ગ્રાન્ડહોમના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ઈશ સોઢીએ દિનેશ કાર્તિક (5)ને આઉટ કરીને ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો. હાર્દિક પંડ્યા (4) પણ ઈશ સોઢીનો શિકાર બન્યો હતો. ભારતે 77 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. કોલિન મુનરો અને સેઇફર્ટે ન્યૂઝીલેન્ડને આક્રમક શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં બંન્નેએ 66 રન ફટકારી દીધા હતા.
ઈનિંગની નવમી ઓવરમાં ભારતને પ્રથમ સફળતા મળી હતી. ક્રૃણાલ પંડ્યાએ કોલિન મુનરો (34)ને વિજય શંકરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તેણે 20 બોલમાં 2 ફોર અને બે સિક્સ ફટકારી હતી. સેઇફર્ટે 30 બોલમાં ટી20 કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે ઈનિંગની 11મી ઓવરમાં 100 રન પૂરા કરી લીધા હતા. મુનરો આઉટ થયા બાદ કેન વિલિયમસન અને સેઇફર્ટે બીજી વિકેટ માટે 48 રન જોડ્યા હતા. ટીમનો કુલ સ્કોર 134 રન હતો ત્યારે સેઇફર્ટ (84)ને ખલીલ અહમદે બોલ્ડ કર્યો હતો. તેણે 43 બોલમાં 7 ચોગ્ગા અને 6 સિક્સ ફટકારી હતી.
ત્યારબાદ ડેરિલ મિશેલ (8)ને હાર્દિક પંડ્યાએ આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે 164ના સ્કોર પર ત્રીજી અને ચોથી વિકેટ ગુમાવી હતી. યુજવેન્દ્ર ચહલે કીવી કેપ્ટન (34)ને આઉટ કર્યો હતો. કેને 22 બોલમાં 3 સિક્સ ફટકારી હતી. ત્યાર બાદ કીવીનો સ્કોર 189 રન હતો ત્યારે હાર્દિ પંડ્યાએ કોલિન ડિ ગ્રાન્ડહોમ (3)ને આઉટ કરીને પોતાની બીજી સફળતા મેળવી હતી. રોસ ટેલર (23)ને ભુવનેશ્વરે ખલીલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ટેલરે 14 બોલમાં બે સિક્સ ફટકારી હતી. અંતમાં કલ્ગિજને 7 બોલમાં અણનમ 20 રન ફટકારીને કીવીનો સ્કોર 219 સુધી પહોંચાડ્યો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 51 રન આપીને બે સફળતા મેળવી હતી. તો ક્રૃણાલ પંડ્યાએ 37 રન આપીને 1, ચહલે 35 રન આપીને એક, તથા ખલીલ અહદમ અને ભુવનેશ્વર કુમાર પણ એક-એક સફળતા મળી હતી.