લગભગ બે મહિનાના ભારતના સાઉથ આફ્રિકાના પ્રવાસના આરંભે સોમવારે કેપ ટાઉનમાં પ્રથમ ટેસ્ટ મેચ ચોથા દિવસે જ પુરી થઈ ગઈ હતી અને આ લો સ્કોરિંગ મેચમાં ભારત પાસે બીજી ઈનિંગમાં ફક્ત 208 રન કરી વિજયની તક હતી ત્યારે કોહલીના સેનાનીઓ 42.4 ઓવર્સમાં 135 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. એમાં પણ ટોપ ઓર્ડર તો શરમજનક રીતે નિષ્ફળ ગયો હતો, એક તબક્કે તો એવી શક્યતા જણાતી હતી કે ભારત 100 રન સુધી પહોંચી નહીં શકે. પણ રવિચન્દ્રન અશ્વિને 81 મિનિટ ઉભા રહી 53 બોલમાં 37 રન (આ ઈનિંગનો સૌથી વધુ સ્કોર) કરી ભુવનેશ્વર કુમાર સાથે આઠમી વિકેટની ભાગીદારીમાં ટીમને 100 રનની પાર પહોંચાડી હતી. ભુવીએ પણ 62 મિનિટમાં 41 બોલ રમી 13 રન કર્યા હતા અને આઠમી વિકેટની ભાગીદારીમાં 49 રન કર્યા હતા.
ભારતની બીજી ઈનિંગની આ સૌથી મોટી ભાગીદારી બની રહી હતી. એ અગાઉ, ચોથા દિવસની રમતના આરંભે સાઉથ આફ્રિકાએ બે વિકેટે 65 રનથી મુકાબલો આગળ ધપાવ્યો હતો અને ફક્ત 65 રન ઉમેરી 130માં તો ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. એ બી ડીવિલિયર્સના 35 અને ઓપનર માર્કરામના 34 યજમાન ટીમના સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર રહ્યા હતા. ભારત તરફથી બુમરાહ અને શમીએ 3-3 તથા હાર્દિક પંડયા અને ભુવનેશ્વર કુમારે બે-બે વિકેટ ઝડપી હતી.
શુક્રવારે મેચના આરંભે યજમાન સાઉથ આફ્રિકાએ પહેલી ઈનિંગમાં 286 રન કર્યા હતા, તો તેના જવાબમાં ભારતે 209 રન કરતાં યજમાનને 77 રનની લીડ મળી હતી. એ લીડ જ આખરે નિર્ણાયક સાબિત થઈ હતી. પહેલી ઈનિંગમાં ભુવનેશ્વર કુમારે ચાર, અશ્વિને બે અને શમી, બુમરાહ તથા હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકા તરફથી પહેલી ઈનિંગમાં ફિલાન્ડર અને રબાડાએ 3-3 તથા ડેલ સ્ટેઈન અને મોર્ની મોર્કલે બે-બે વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ફિલાન્ડરે છ તથા મોર્કલ અને રબાડાએ બે-બે વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ફક્ત 42 રનમાં છ વિકેટ સાથે કેરીયર બેસ્ટ બોલિંગ અને મેચમાં કુલ 9 વિકેટ ઝડપવા બદલ વરનોન ફિલાન્ડરને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. ડેલ સ્ટેઈને પગની ઈજાના કારણે આ મેચમાં બીજી ઈનિંગમાં બોલિંગ કરી જ નહોતી અને હવે બાકીની બે ટેસ્ટ મેચમાં પણ તે રમી શકશે નહીં.