સમગ્ર વિશ્વમાં છવાઈ ગયેલી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું વેક્સ સ્ટેચ્યુ અમેરિકામાં ન્યૂ યોર્કના મેડમ તુસા મ્યુઝિયમમાં ખુલ્લું મુકાયું છે. પ્રિયંકાએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તેના ફોટો મુકી એની માહિતી આપી હતી. હજી થોડા મહિના પહેલા અમેરિકાના ગાયક અને અભિનેતા નિક જોનસ સાથે લગ્નગ્રંથીથી જોડાયેલી પ્રિયંકાએ અન્ય સોશિયલ મીડિયામાં પણ આ સમાચાર પોતે જ આપ્યા હતા અને જણાવ્યું હતું કે, મેડન તુસાના વિશ્વના અન્ય મહત્ત્વના શહેરોમાં – લંડન અને સિડની તથા એશિયાના મ્યુઝિયમ્સમાં પણ ટુંક સમયમાં પોતાના વેક્સ સ્ટેચ્યુ (મીણના પુતળા) મુકાવાના છે.

ન્યૂ યોર્કના મ્યુઝિયમમાં મુકાયેલા પોતાના સ્ટેચ્યુ સાથે પ્રિયંકાએ પોતે પણ બાજુમાં ઉભા રહીને તેના ફોટો લીધા છે અને પોતે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં મુક્યા છે. મેડમ તુસા દ્વારા પણ પ્રિયંકાની હાજરીમાં ખુલ્લા મુકાયેલા તેના પુતળાનો વિડિયો રજૂ કરાયો છે. તેના પુતળામાં પતિ નિક જોનસે તેને આપેલી ડાયમંડ રિંગ પણ તેની આંગળી ઉપર ચમકે છે. અમેરિકામાં ટીવી સિરિયલ અને પછી હોલિવુડ ફિલ્મ દ્વારા ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂકેલી પ્રિયંકાની એક વધુ હોલિવુડ ફિલ્મ ‘ઈઝન્ટ ઈટ રોમાન્ટિક?’ થોડા જ સમયમાં રજૂ થવાની છે.